Gujarat Rain Forecast: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, આગામી દિવસોમાં કેટલાક એવા જિલ્લામાં હવે વરસાદ થશે. જ્યાં હજુ સુધી સારો વરસાદ નથી વરસ્યો. આ નવા જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધવાનો અનુમાન છે. રાજસ્થાન પર એક નવી વરસાદી સિસ્ટમ સર્જાઇ છે તો દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઑફ શૉર ટ્રફ રેખા બનેલી છે તેની અસર રાજ્યના કેટલાક જિલ્લા પર થશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા છે.
આગામી દિવસોમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં થઇ શકે છે. વલસાડ, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. આગામી પાંચથી સાત દિવસો સુધી મધ્ય ગુજરાત, પશ્ચિમ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધવાની આગાહી છે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, મહિસાગર, દાહોદ, ખેડા તથા આણંદ જિલ્લામાં પણ સારા વરસાદનું અનુમાન છે.
સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ મેઘરાજાએ થોડો આ વિસ્તારમાં વિરામ લીધો છે. જો કે આજે હવામાન વિભાગે વરસાદને લઇને ખાસ કરીને ત્રણ જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યુ છે. ત્રણ જિલ્લામાં ઓરેન્જ, તો 22 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચ જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલમાં ભારે વરસાદ વરસી શકે છે.. તો ખેડા, મહીસાગર, દાહોદમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે.. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણામાં ભારે વરસાદનું યલો એલર્ટ છે.,અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે આજના દિવસે અમદાવાદ અને ગાંધીનગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો પ્રવાસન સ્થળ દીવમાં સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે.
રાજ્યના ત્રણ જિલ્લામાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે જૂનાગઢમાં 119.21 ટકા, દ્વારકામાં 141.80 ટકા તો પોરબંદર જિલ્લામાં ચોમાસાની સિઝનનો વરસી 121.30 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.આઠ તાલુકામાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 50 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. .. સૌથી વધુ ખેરગામમાં 65.12 ઈંચ, ઉમરગામમાં 63.80 ઈંચ, તો વલસાડમાં વરસ્યો 63.52 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. .. વંથલી, નવસારી, વિસાવદર,ઉમરપાડામાં 57 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.