Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થતાં છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં કયાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ વરરસ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આ રાઉન્ડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ ગઇ છે. આ સિસ્ટમ ગુજરાત અને રાજસ્થાન પરથી પસાર થઇને હવે આ સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઇ જતાં રાજ્ય વરસાદનું જોર ઘટ્યું છે અનેક જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે.
ભારે વરસાદથી આજથી રાજ્યને રાહત મળશે, આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. જોકે કચ્છમાં આ જે પણ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 8 સપ્ટેમ્બર એટલે કે આજથી ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદનું જોર ઘટી જશે, જો કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત સહિતના વિસ્તારમાં ક્યાંક ક્યાંક છુટછવાયો ભારે વરસાદ વરસી શકે છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 67 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 67 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 24 કલાકમાં લખપતમાં સૌથી વધુ 6.26 ઈંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભાભરમાં 5.28 ઈંચ, કચ્છના રાપરમાં 4.76 ઈંચ, કચ્છના ભચાઉમાં 4.13 ઈંચ, નખત્રાણામાં 4.13 ઈંચ, ગાંધીધામમાં 3.74 ઈંચ, ભુજમાં 3.39 ઈંચ, અંજારમાં 3.07 ઈંચ, સાંતલપુરમાં 2.75 ઈંચ, અબડાસામાં 2.40 ઈંચ, રાધનપુરમાં 2.28 ઈંચ, મોરબીના માળિયામાં 2.17 ઈંચ, થરાદમાં 2.01 ઈંચ, દિયોદરમાં 1.97 ઈંચ, વાવમાં 1.65 ઈંચ, કચ્છના માંડવીમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે.
દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો ઘણા રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે, પરંતુ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર જેવા પહાડી રાજ્યોમાં સ્થિતિ વધુ ખરાબ છે. આ સાથે, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં પણ વરસાદે મુશ્કેલી વધારી છે. દરમિયાન, હવામાન વિભાગે આજે રાજધાની દિલ્હી અને આસપાસના NCR ક્ષેત્રમાં તોફાનનું એલર્ટ જાહેર કર્યું છે. IMD એ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 10 સપ્ટેમ્બર સુધી, અરુણાચલ પ્રદેશ અને આસામ અને મેઘાલયમાં 12-14 સપ્ટેમ્બર અને નાગાલેન્ડ-મણિપુરમાં 11-12 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે. ઓડિશામાં 11-12 સપ્ટેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.