Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 19 તારીખથી એટલે તે આજથી વરસાદનું જોર વધશે. મોનસૂન ટ્રફ રેખા અને બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમના કારણે રાજ્યમાં આગામી 3 દિવસ અતિ ભારે વરસાદ પડશે. ગુજરાત ઉપર મોનસૂન ટ્રફ રેખા પસાર થતી હોવાથી અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આ સિસ્ટમના કારણે આગામી દિવસોમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 19, 20 અને 21 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 20 અને 21 દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે ગાજવીજ સાથે અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. 21 બાદથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટશે પરંતુ વરસાદ તદન વિરામ નહિ લે એટલે કે ગુજરાતમાં છુટછવાયો મઘ્યમ વરસાદ વરસતો રહેશે.
ઉલ્લેખનિય છે કે, 24 ઓગસ્ટથી ફરી એક વરસાદનો જોરદાર રાઉન્ડ આવશે. 24 ઓગસ્ટથી જેના 28 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.
ક્યા જિલ્લામાં પડશે ભારે વરસાદ
નવસારી, ડાંગ, તાપી, વલસાડ, ભરૂચ, સુરત, નર્મદા, છોટાઉદેપુર,વડોદરા, આણંદ, આ તમામ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, ભાવનગર,અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ સહિતના આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ગુજરાતમાં આગામી 7દિવસ સુધી અવિરત વરસાદી માહોલ રહેશે.
સૂત્રાપાડા સહિત ગીર સોમનાથના તમામ તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર ગઢડામાં પાંચ, પાટણ-વેરાવળમાં છ, કોડીનારમાં 5 તો તાલાલા અને ઉનામાં અઢી-અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે પણ જિલ્લામાં વરસાદનું એલર્ટ અપાયું છે.
સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામે કોળીવાડા વિસ્તારમાં રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા ઘરવખરીને નુકસાન થયુ હતું. આ વિસ્તારમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા. અચાનક જ વરસાદી પાણી આવી જતા નિશાળ વાળા વિસ્તારમાં રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુત્રાપાડામાં વહેલી સવારે 4 થી 6માં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીર ગઢડામાં રાત્રે 2 થી 4માં પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો.
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. લુણાવાડા શહેર તેમજ સોનેલા હરદાસપુર પાવાપુર ચરેલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો હતો. લાંબા સમયથી વરસાદ ખેંચાયા બાદ હવે વરસાદ શરૂ થતા ખેડૂતોને સારા વરસાદની આશા છે