બનાસકાંઠા: બનાસકાંઠાના દિયોદરના માર્કેટયાર્ડમાં પાંચ દિવસ પહેલા તસ્કરોએ સાત દુકાનના તાળાં તોડી 4.65 લાખની રોકડ રકમ ચોરી કરી હતી. જેને લઈ વેપારીઓએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.  જોકે હજુ સુધી તસ્કરો ન પકડાતાં વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે.  જેને લઈને છેલ્લા 5 દિવસથી વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને જ્યાં સુધી આરોપીઓ ન પકડાઈ ત્યાં સુધી હડતાળ ઉપર ઉતર્યા છે. જેના કારણે વેપારીઓ અને ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. 


દિયોદર નવીન માર્કેટયાર્ડમાં પાંચ દિવસ પહેલા રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા.  જેમાં શિવ ટ્રેડસ સહિત સાત દુકાનોના તાળા તોડી  દુકાનોમાં રહેલા 4.65 લાખની રોકડ રકમની ચોરી કરી  પલાયન થઇ ગયા હતા. આ અંગે દિયોદર માર્કેટયાર્ડના વેપારીઓએ દિયોદર પોલીસ મથકે  ફરિયાદ નોંધાવી હતી.  જોકે માર્કેટયાર્ડમાં ચોરી થતા વેપારીઓ અચોક્કસ મુદત માટે ધંધા-રોજગાર બંધ રાખી જ્યાં સુધી તસ્કરો ન પકડાય ત્યાં સુધી હડતાળ ઉપર ઉતરી ગયા હતા.  જોકે ચોરીના 5 દિવસ પસાર થઈ ગયા હોવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા તસ્કરોને પકડવામાં ન આવતા વેપારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. જેથી દિયોદર માર્કેટયાર્ડ વેપારી એસોસિયનના તમામ વેપારીઓ એક સંપ થઇ જ્યાં સુધી તસ્કરો ન ઝડપાય ત્યાં સુધી માર્કેટયાર્ડમાં જાહેર હરાજી, ધંધા વ્યવસાય બંધ રાખવાનો નિર્ણય કરી હડતાળ ઉપર બેઠા છે. જેથી માર્કેટયાર્ડમાં હરાજી બંધ રહી અને તમામ દુકાનોમાં તાળા લાગ્યા છે.


જોકે હડતાળ ઉપર ઉતરેલા વેપારીઓએ કહ્યું કે દિયોદર માર્કેટયાર્ડમાં સાત દુકાનોના તાળા તૂટવાના 5 દિવસ જેટલો  સમય થવા છતાં તસ્કરો ન ઝડપાતા અમોએ ચોક્કસ મુદત માટે દિયોદર માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી જ્યાં સુધી તસ્કરો નહિ ઝડપાય ત્યાર સુધી અમે હડતાળ ચાલુ રાખીશું. આ અંગે દિયોદર માર્કેટયાર્ડ કાર્યાલયમાં અમે લેખિત જાણકરી આપી હડતાળ આરંભી છે. આગામી સમયમાં તસ્કરો ઝડપાયા બાદ યોગ્ય  નિર્ણય લેવામાં આવશે. જોકે માર્કેટયાર્ડને હડતાળ રહેતા વેપારીઓ અને ખેડૂતોને નુકસાન પહોંચતું હોવાનું દુઃખ પણ વેપારીઓ વ્યક્ત કર્યું હતું.


માર્કેટયાર્ડમાં થયેલ ચોરી બાબતે એક બાજુ વેપારીઓમાં રોષ ફેલાયો છે તો બીજી બાજુ પોલીસનું કહેવું છે કે આ બાબતે  તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. ડોગસ્કવોર્ડ,એફએસએલ તેમજ સીસીટીવી ફૂટેજના મદદથી તપાસ ચાલી રહી છે.ટૂંક સમયમાં તસ્કરોને ઝડપી લઇશું.