રાજકોટ:બિપરજોય વાવાઝોડાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. કચ્છના દરિયના કિનારેથી માત્ર 280 કિલોમીટર જ વાવાઝોડું દૂર છે ત્યારે પ્રશાસન એલર્ટ છે. સંભવિત નુકસાનના સ્થળે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય મૂકાઇ છે.
ચક્રવાતી તોફાન 'બિપરજોય'ને પહોંચી વળવા રાજયમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.બિપરજોઇ વાવાઝોડાને લઇને પ્રશાસને એલર્ટ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છને વાવાઝોડની સૌથી વધુ અસર થઇ શકે છે. જેના પગલે રાજકોટ જિલ્લાના પોરબંદર નજીકના ગામમાં એન઼ડીઆરએફ ટીમને સ્ટેન્ડ બાય મૂકાઇ છે. આજે રેસ્ક્યુ માટેના આધુનિક સાધનો સાથે NDRF ની ટીમ રાજકોટના ઉપલેટામાં પહોંચી.
બે અધિકારી સાથે 18 સભ્યોની NDRF ની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા NDRF ની ટીમ સજ્જ છે.
વાવાઝોડાથી પ્રભાવિત લોકોની મદદે આવી આ મોટી ધાર્મિક સંસ્થા, પહોંચાડ્યા ફૂડ પેકેટ
બિપરજૉય વાવાઝોડાએ ગંભીર રૂપ ધારણ કર્યુ છે, રાજ્યના દરિયામાં ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. બિપરજૉયના કારણે હજારો લોકોએ સ્થળાંતર કરી દીધુ છે, બિપરજૉયથી પ્રભાવિત વિસ્તારોમાં ખાવા-પીવાની સમસ્યા ઉભી ના થાય એ માટે હવે ધાર્મિક સંસ્થા બીએપીએસ આગળ આવી છે, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ મદદ માટે હાથ લંબાવ્યો છે.
બિપરજૉયથી પ્રભાવિત વિસ્તારના લોકો અને ખાસ કરીને સ્થળાંતર કરી ચૂકેલા લોકોને ખાવા પીવાની સમસ્યા ના રહે એ માટે ધાર્મિક સંસ્થા બીએપીએસે ફૂડ પેકેટ મોકલવાનું શરૂ કરી દીધુ છે. જામનગર BAPS સંસ્થાએ ફૂડ પેકેટ બનાવી મોકલવાનું શરૂ કરી દીધુ છે. જામનગર સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 1500 ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા છે, આ તમામ ફૂડ પેકેટ જામનગર મહાપાલિકાને સુપરત કરવામાં આવ્યા છે, અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા માટે જામનગર મહાપાલિકાને જવાબદારી સોંપવામાં આવી છે, આ ફૂડ પેકેટ લોકોને વહેલી તકે પહોંચી જશે.
14મી જૂને સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ સાથે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે. બિપરજોય વાવાઝોડાની અસરના કારણે 16 અને 17 જૂને અમદાવાદમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અતિથી અતિભારે વરસાદ પડવાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. થોડા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે વરસાદની તીવ્રતા વધશે અને કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે અને પોરબંદર, રાજકોટ, મોરબી અને કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે. 15મી જૂનના રોજ ગુજરાતના જૂનાગઢ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાત પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
કચ્છના જખૌ બંદર પરથી તમામને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. જખૌમાં 522 બોટને સુરક્ષિત સ્થળે કાંઠા પર રખાઈ છે. બોટ રિપેરિંગનું કામ કરનાર 100 કારીગરોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. કંડલામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. કચ્છમાં માંડવીનો દરિયો તોફાની બન્યો છે. માંડવી દરિયાકિનારે ભારે પવન ફુંકાવાનો શરૂ થયો છે. દરિયાના મોજામાં પણ ભારે કરંટ જોવા મળ્યો છે. ભારે પવનના કારણે માંડવી બંદર ઉપર આવેલ ખાણીપીણાંનાં સ્લોટોના પતરા પણ ઉડ્યો છે. આજે કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.