Weather Forecast: દેશના મોટાભાગના રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડી પહી છે. ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી તાપમાનનો પારો કેટલાક શહેરોમાં 40ને પાર કરી જતાં અસહ્ય ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલે પણ ગરમી વધવાના સંકેત આપ્યા છે.  અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યમાં હજુ પણ 24 એપ્રિલ બાદ  ગરમીના પ્રમાણમાં વધારો  થશે. રાજ્યમાં 27 એપ્રિલ સુધી કાળઝાળ ગરમીનો અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલે વ્યક્ત કર્યો છે. તારીખ 27 એપ્રિલથી પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ગરમીમાં ઘટાડો થઇ શકે છે. જો કે મે માસમાં ફરી અગન વર્ષોની શરૂઆત થશે. અંબાલાલના જણાવ્યાં મુજબ  આગામી 4 મે પછી ગરમીમાં પ્રમાણમાં ફરી વધારો જોવા મળશે.10 થી 14 મે વચ્ચે અખાત્રીજના દિવસોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.,10 મે થી રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ના ભાગોમાં આંધી વંટોળ નું પ્રમાણ વધશે અને વરસાદ પણ પડી શકે છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ 20 મે બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણમાં વધારો થશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની શકયતા છે.




ભારતીય હવામાન વિભાગે ભારતના પૂર્વ અને મધ્ય ભાગોમાં સ્થિત રાજ્યોમાં ભારે પવનની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, વિદર્ભ અને છત્તીસગઢના હિમાલયના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 50 કિમી પ્રતિ કલાકની રહેશે.




આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તેલંગાણા અને કર્ણાટક એવા રાજ્યો છે જ્યાં 20 એપ્રિલે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. તટીય આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા, અરુણાચલ પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં વીજળી પડવાની સંભાવના છે.સ્કાયમેટ વેધર અનુસાર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં શનિવારે તોફાન, વીજળી અને જોરદાર પવન જોવા મળશે. આ રાજ્યોના કેટલાક ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.




અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ/હિમવર્ષાની અપેક્ષા છે, જ્યારે આસામ-મેઘાલયના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણામાં ગાજવીજ, વીજળી અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે.


IMD અનુસાર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, તટીય આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર અને ઝારખંડના કેટલાક ભાગોમાં હીટવેવ આવવાની છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં રાત્રિ દરમિયાન પણ તાપમાન ઊંચું રહી શકે છે.




હવામાન વિભાગે કહ્યું છે કે શનિવારે દિલ્હી-NCRમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. હાલમાં પાટનગરમાં લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે.


ઉત્તર પ્રદેશમાં પણ આ સમયે લોકો આકરી ગરમી અને હીટ વેવનો સામનો કરી રહ્યા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. બિહારની રાજધાની પટના સહિત અનેક જિલ્લામાં ગરમી જેવી સ્થિતિ છે. 13 જિલ્લામાં હીટ વેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. રાજ્યના લોકોને ગરમીથી રાહત મળવાની નથી.