રાજકોટઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે પાટીદાર નેતાઓ સાથે 45 મિનીટ સુધી બેઠક કરી હતી. ખોડલધામમાં બપોરે 2 વાગ્યે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલ, પાટીદાર નેતા દિનેશ બાંભણિયા,પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદા નરેશ પટેલ અને હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી.


રાજકારણમાં જોડાવા મુદ્દે થઈ ચર્ચાઃ
પહેલાં નરેશ પટેલે બેઠકમાં થયેલા ચર્ચા મુદ્દે વાતચીત કરતાં કહ્યું કે, "ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ, યુવાનો પર થયેલા કેસ પાછા ખેંચવા, મારા રાજકીય પ્રવેશ, હાર્દિક પટેલના રાજકારણ વગેરે મહત્વના મુદ્દે ચર્ચા થઈ છે." આ દરમિયાન નરેશ પટેલે જણાવ્યું કે, "મારે રાજકારણમાં જવું કે નહિ અને કયા પક્ષમાં જોડાવું તે આગામી દિવસોસોમાં વધુ ચર્ચા બાદ જાહેર કરીશ. હાર્દક એટલો મેચ્યોર છે જે મને સમજાવી શકે છે." હાર્દિક પટેલના કોંગ્રેસ સાથેના વિવાદ અને ભાજપમાં જોડાવાની અટકળો અંગે પુછાયેલા પ્રશ્ન અંગે નરેશ પટેલે કહ્યું કે, "હાર્દિકનો સ્વતંત્ર નિર્ણય છે કે તેને ક્યાં પક્ષમાં જવું ક્યાં પક્ષમાં ન જવું"


કોંગ્રેસ સાથેની નારાજગીનો સ્વીકારઃ
નરેશ પટેલ બાદ હાર્દિક પટેલે મીડિયાના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન હાર્દિકે પોતાના કોંગ્રેસ સાથેના નારાજગીનો સ્વીકાર કર્યો હતો અને કહ્યું કે, હું કોંગ્રેસની નારાજ છું. ઉદેપુરમાં ચાલી રહેલી ચિંતન શિબીરમાં કેમ ના ગયા તે અંગે પુછેલા પ્રશ્નના જવાબમાં હાર્દિકે કહ્યું કે, જો હું ઉદેપુર ગયો હોત તો મારા ઈડર અને સુરેન્દ્રનગરના એક સામાજિક પ્રસંગમાં ના જઈ શક્યો હતો. આ સાથે હાર્દિકે કહ્યું કે, જ્યાં સુધી મારા મુદ્દાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી કોંગ્રેસના કાર્યક્રમમાં જવાનો કોઈ મતલબ નથી. 


મને કોંગ્રેસે કશું નથી આપ્યુંઃ હાર્દિક
કોંગ્રેસ સાથેના વિવાદ અંગે હાર્દિકે વધુમાં કહ્યું કે, અમે કોંગ્રેસને આપ્યું છે કોંગ્રેસ પાસેથી કશું લીધું નથી. ભૂતકાળની ચૂંટણીઓમાં અમે કોંગ્રેસને ઘણું આપ્યું છે. અમે પદની આશા નથી રાખી. હાર્દિકે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે "નરેશ પટેલ જો કોંગ્રેસમાં આવશે તો મારી નારાજગી દૂર થઈ જશે કારણ કે, મારે પછી તેમની સાથે જ ચર્ચા કરવાની રહેશે. નરેશ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે તેમની વાતચીત થઈ છે. ત્યાંથી નિર્ણય આવી જાય તો સારું છે."


નરેશ પટેલે હાર્દિકને પુછ્યો મહત્વનો સવાલઃ
ખોડલધામની આજની બેઠકના સૌથી મોટા સમાચાર એ રહ્યા કે, આ દરમિયાન નરેશ પટેલે હાર્દિક પટેલને મહત્વનો સવાલ પુછ્યો હતો. હાર્દિક પટેલની કોંગ્રેસની નારાજગીના સમાચારો વચ્ચે નરેશ પટેલે હાર્દિક પટેલને પૂછ્યું કે તારું સ્ટેન્ડ શું રહેશે?