વડોદરા બાદ હવે જૂનાગઢમાં પુલ તૂટ્યો હતો. ગઈકાલે સાંજે માંગરોળના આજક ગામે પુલ તૂટતા દોડધામ મચી ગઇ હતી. આત્રોલીથી કેશોદ તરફ જતા રોડ પર પુલ તૂટ્યો હતો. પુલના રિપેરિંગ કામ દરમિયાન ઘટના બની હતી. પુલ તૂટવાના કારણે પુલ પર ઉભેલા લોકો નદીમાં ખાબક્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ નહી.
રિપેરિંગ માટે લવાયેલ હિટાચી મશીન પણ નદીમાં ખાબક્યું હતું. ઉપર પર ઉભેલા કેટલાક લોકો પણ નીચે પડ્યા હતા. સ્થાનિકોને તમામને બહાર કાઢતા મોટી દુર્ઘટના ટળી હતી. ગ્રામજનોએ તમામને દોરડા વડે બહાર કાઢ્યા હતા. આ મામલે ધારાસભ્યનું કહેવું છે કે આ બ્રિજ પહેલાથી જર્જરિત જ હતો અને તેને તોડવાનો જ હતો. જોકે તેનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે જ તે તૂટી પડ્યું હતું.
નોંધનીય છે કે વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતા અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા હતા. આ મામલે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ 9 જુલાઈએ તૂટી પડ્યો હતો જેના કારણે અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામા 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં તપાસ માટે માર્ગ અને મકાન વિભાગના 6 સભ્યોની કમિટી બનાવાઈ છે. આ કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરશે. આ દુર્ઘટનાને લઇને અનેક સવાલ ઉઠી રહ્યાં છે. એક નહિ અનેક વખત આવી દુર્ઘટનામાં લોકોની જિંદગી હોમાઇ રહી છે. તો પછી કેમ બ્રિજનના બાંધકામની ગુણવત્તા પર અને સમયે સમયે તેનો ફિટનેસ ટેસ્ટ નથી થતો. આ દુર્ઘટનાને લઇને સરકારે સમિતી રચના કરી છે અને તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા હતા.
વલસાડમાં નેશનલ હાઈવે પરના 5 બ્રિજ ભારે વાહનો માટે બંધ કરી દેવાયા છે. કોલકતા અને તાન નદી પરના બ્રિજ ભારે વાહનો માટે બંધ કરી દેવાયા છે. બંધ કરાયેલા બ્રિજમાં વલસાડ-લીલાપોર બ્રિજ, વાપી નજીક દેગામ ખાડીનો બ્રિજ, કોકલ નદીનો બ્રિજ, ધરમપુર પાસે કરંજવેરીનો બ્રિજ અને તાન નદીનો બ્રિજનો સમાવેશ થાય છે. વાહનચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.