Fruits Price Hike: શાકભાજી બાદ હવે ફ્રૂટ્સ ના ભાવ આસમાને પહોંચ્યા છે. તમામ ફ્રુટ્સના ભાવમાં 20 થી 50 રૂપિયા સુધીનો વધારો થઈ ગયો છે. બિપરજોય વાવાઝોડું અને ભારે વરસાદને લઈને સફરજનના ભાવ આસમાને પહોંચી ગયાછે. છેલ્લા કેટલાય સમયથી ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે હાલ સફરજનની આવક બંધ હોવાના કારણે તેના ભાવ વધારે જોવા મળી રહ્યા છે. વધતા જતા ફ્રુટ્સના ભાવને લઈને ગ્રાહકો પર પડી માઠી અસર પડી છે.
પહેલા કેટલો હતો ભાવ, હવે વધીને કેટલો થયો
સફરજનનો ભાવ પહેલા 200 પ્રતિ કિલો હતો, જે અત્યારે 250 પ્રતિ કિલો પહોંચ્યો છે. કેળા 40 રૂપિયા ડઝનના બદલે હવે 60 ડઝનના ભાવે વેચાઈ રહ્યા છે. મોસંબીનો ભાવ 60 રૂપિયાથી વધીને 80 રૂપિયા, દાડમનો ભાવ 120 રૂપિયા કિલોથી વધીને 160 રૂપિયા કિલો, મોસંબીનો ભાવ 100 રૂપિયાથી વધી અત્યારે 130 રૂપિયા, પપૈયાનો ભાવ 30 રૂપિયાથી વધી અત્યારે 50 રૂપિયા અને પાઈનેપલનો ભાવ વધીને 80 રૂપિયા સુધી પહોંચ્યો છે.
બજારમાં ટામેટાં, કોથમીર, ડુંગળી, મરચાં, ફુલાવર, બટાકાના ભાવો વધ્યા બાદ હવે આદુ રિટેઈલમાં રુપિયા 260માં મળી રહ્યું છે. તો મરચાના 100, ડુંગળીના 75, લસણના 200 અને ફણસીના 250 રુપિયા ભાવ બોલાય રહ્યા છે. બીજી તરફ કેળાના ડઝનના રુપિયા 75, દાડમના 260, કરબુચના 35, ચીકુના 150 અને સફરજનના રુપિયા 250 પ્રતિકિલો સુધી પહોચ્યા છે. જ્યારે બજારમાં મળતી ચાના કપમાં આદુ નાંખવાનું કીટલીવાળાઓએ બંધ જ કરી દીધું છે.
ચાર મહિના સુધી સતત ઘટાડા બાદ ફુગાવાના દરના આંકડાએ ફરી એકવાર યુ-ટર્ન લીધો છે. જૂન 2023માં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર ઉછાળાને કારણે છૂટક ફુગાવાના દરમાં ફરીથી વધારો થયો છે. જૂન મહિનામાં રિટેલ મોંઘવારી દર 4.81 ટકા હતો જ્યારે મે 2023માં રિટેલ મોંઘવારી દર 4.31 ટકા હતો.
આંકડા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ખાદ્ય ચીજવસ્તુઓના મોંઘવારી દરમાં ભારે વધારો થયો છે. ખાદ્ય ફુગાવો જૂનમાં વધીને 4.49 ટકા થયો છે, જે મે 2023માં 2.96 ટકા હતો. જૂન 2022માં ખાદ્ય ફુગાવાનો દર 7.75 હતો. જૂન મહિનામાં મોંઘવારી દરમાં વધારો થવાનું મુખ્ય કારણ અરહર અને અન્ય કઠોળના ભાવ છે. કઠોળનો ફુગાવો જૂનમાં 10.53 ટકા હતો, જ્યારે મે મહિનામાં તે 6.56 ટકા હતો. લીલોતરી અને શાકભાજીનો ફુગાવાનો દર જૂનમાં -0.93 ટકા રહ્યો છે. જ્યારે મે મહિનામાં તે -8.18 ટકા હતો. મસાલાનો ફુગાવો મે મહિનામાં 17.90 ટકાથી વધીને 19.19 ટકા થયો છે. દૂધ અને તેના સંલગ્ન ઉત્પાદનોના ભાવ મે મહિનામાં 8.91 ટકાની સરખામણીએ હજુ પણ 8.56 ટકા પર રહ્યા છે. ખાદ્ય અનાજ અને સંબંધિત ઉત્પાદનોનો ફુગાવાનો દર 12.71 ટકા રહ્યો, જે મે મહિનામાં 12.65 ટકા હતો.