કચ્છઃ અગ્નિપથ યોજનાને કચ્છના એક યુવાને અનોખી રીતે સમર્થન કર્યું છે. કચ્છના દયાપરના યુવાને શૂન્ય વેતન સાથે સેનામાં ભરતી થવા રક્તથી પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સેનામાં ભરતી અંગે જાહેર કરેલી અગ્નિપથ યોજનાનો દેશના અનેક રાજ્યોમાં હજારો છાત્રો વિરોધ કરી રહ્યા છે. મૂળ ભાવનગર જિલ્લાના ટીમાણા ગામના વતની અને હાલે દયાપરમાં રહેતા 23 વર્ષીય યુવાન દીપક ડાંગરે કેન્દ્રીય રક્ષામંત્રીને પોતાના લોહીથી લખેલા પત્રમાં શૂન્ય વેતન સાથે સેનામાં જોડાઇને દેશ સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરી. હાલ સરકારી સંપતિને નુકસાન પહોંચાડી રહેલા છાત્રોને પણ અાવો હિંસક વિરોધ બંધ કરવા અપીલ કરી.


Bihar Bandh on Agneepath Scheme: નરેન્દ્ર મોદી સરકારની અગ્નિપથ યોજનાનો દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કેટલાક વિદ્યાર્થી સંગઠનોએ બિહાર બંધનું એલાન આપ્યું છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં વિદ્યાર્થી સંગઠનોએ આજે ​​બિહાર બંધનું એલાન આપ્યું છે. જેમાં ડાબેરીઓ તેમજ મહાગઠબંધનના પક્ષોએ વિદ્યાર્થી સંગઠનોને સમર્થન આપ્યું છે.


બિહારમાં મહાગઠબંધનની ઘણી પાર્ટીઓ સેનામાં ચાર વર્ષની સેવાની નવી યોજનાના વિરોધમાં વિદ્યાર્થીઓ અને યુવાનોના સમર્થનમાં આવી છે. આઇસા સાથે સેના ભરતી જવાન મોરચા અને રોજગાર સંઘર્ષ સંયુક્ત મોરચાએ અગ્નિપથ યોજનાના વિરોધમાં બિહાર બંધનું આહ્વાન કર્યું છે. સૈન્યમાં ચાર વર્ષની સેવા પછી નિવૃત્તિ માટે આપવામાં આવતી આ યોજના પાછી ખેંચવા માટે વિદ્યાર્થી સંગઠનોએ સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.


RJD વિદ્યાર્થી સંગઠનના સમર્થનમાં આવ્યું


વિદ્યાર્થી સંગઠનોના મતે જો સરકાર આ યોજના પાછી નહીં ખેંચે તો તેમનું પ્રદર્શન વધુ ઉગ્ર બનશે. દરમિયાન તેઓ બિહાર બંધ બાદ ભારત બંધનું એલાન કરી શકે છે. બીજી તરફ આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહનું કહેવું છે કે તેઓ બિહાર બંધની જાહેરાતને નૈતિક રીતે સમર્થન આપી રહ્યા છે.









દેશમાં અગ્નિપથ યોજનાનો ઉગ્ર વિરોધ બિહારમાં થઇ રહ્યો છે. બિહારના લગભગ 22 જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ અને હજારો યુવાનોએ સતત ત્રીજા દિવસે અગ્નિપથ યોજનાનો વિરોધ ચાલુ રાખતા રેલવેને નિશાન બનાવ્યું છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ આઠ ટ્રેનોને આગ ચાંપી દીધી હતી.


પ્રદર્શનને કારણે રેલવેને 40 કરોડનું નુકસાન


હાલમાં દેશભરમાં અગ્નિપથ યોજનાના વિરોધને કારણે ભારતીય રેલવેને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 340 ટ્રેનોને અસર થવાના કારણે રેલવેને 40 કરોડથી વધુનું નુકસાન થયું છે. આ દરમિયાન બિહારના 12 જિલ્લામાં 19 જૂન સુધી ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.