Agniveer job preference Gujarat: ગુજરાતના મુખ્યમંત્રીએ આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જે અગ્નિવીરોના ભવિષ્યને લઈને આશાસ્પદ સંકેત આપે છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત સરકાર અગ્નિવીરોને સરકારી નોકરીમાં પ્રાધાન્ય આપશે. હથિયારધારી પોલીસ અને SRP (સ્પેશિયલ રિઝર્વ પોલીસ)ની ભરતીમાં અગ્નિવીરોને પ્રાધાન્ય આપવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં અગ્નિવીરો માટે અનામત કોટા દાખલ કરવાની શક્યતા પણ ચકાસવામાં આવી રહી છે.
આ નિર્ણયથી અગ્નિવીર યોજના હેઠળ સેવા આપનારા યુવાનોને તેમની સેવા પછી રોજગારીની તક મળશે. આ પગલું અગ્નિવીર યોજનાને વધુ આકર્ષક બનાવશે અને યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવા પ્રોત્સાહિત કરશે.
ઉત્તર પ્રદેશમાં પણ યોગી સરકારે અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત
ઉત્તર પ્રદેશની યોગી સરકારના અગ્નિવીરો માટે મોટી જાહેરાત કરી છે. સીએમ યોગી આદિત્યનાથે નિર્ણય કર્યો છે કે યુપીમાં અગ્નિવીરને અનામત આપવામાં આવશે. અગ્નવીર સૈનિકોને યુપીમાં પોલીસ અને પીએસીમાં અનામત મળશે. સીએમ યોગીએ કહ્યું કે અગ્નિવીરની યોજનાથી યુવાનોમાં ઉત્સાહ છે અને કેટલાક રાજકીય પક્ષો રાજનીતિ કરી રહ્યા છે. તેઓ આ મુદ્દાઓને લઈને પણ ગેરમાર્ગે દોરે છે.
સીએમ યોગીએ કહ્યું કે જ્યારે અગ્નિવીર તેની સેવા પછી પરત ફરશે, ત્યારે ઉત્તર પ્રદેશ સરકાર આ યુવાનોને પોલીસ સેવા અને પીએસીમાં પ્રાથમિકતાના ધોરણે એડજસ્ટમેન્ટ સુવિધાઓ પ્રદાન કરશે. ઉત્તર પ્રદેશ પોલીસમાં તેમના માટે નિશ્ચિત રિઝર્વેશનની સુવિધા આપવામાં આવશે.
યોગી સરકારે આ નિર્ણય કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ પર લીધો છે. જેના કારણે હવે યુપીમાં પોલીસ અને પીએસીની ભરતીમાં અગ્નિવીરોને છૂટછાટ મળશે. જો કે, અગ્નિવીરો યોજનાને લઈને સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે કહ્યું કે, "મને એ કહેતા ગર્વ થાય છે કે આપણી સેનાનો ગૌરવશાળી ઈતિહાસ છે, પરંતુ અફસોસની વાત છે કે ભાજપ સરકારે અગ્નિવારી યોજનાનું આયોજન કર્યું છે, સેનાનું આનાથી મોટું કોઈ અપમાન નથી."
અર્ધલશ્કરી દળોમાં 10 ટકા અનામત
અગાઉ, ભારત સરકારના ગૃહ મંત્રાલયે ભૂતપૂર્વ અગ્નિવીરો માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં 10 ટકા જગ્યાઓ અનામત રાખવાનો નિર્ણય લીધો હતો. જો કે, વિપક્ષ હજી પણ આના પર પ્રહારો કરી રહ્યો છે અને ઘણા વિપક્ષી નેતાઓનું કહેવું છે કે જો અમારી સરકાર આવશે તો અમે 24 કલાકમાં આ યોજનાને ખતમ કરી દઈશું.