અમદાવાદઃ મંગળવારે 3.3થી 3.9 ડિગ્રી તાપમાનનો પારો સામાન્ય તાપમાન કરતા ઊંચો રહ્યો હતો. જોકે હવામાન વિભાગે ગુરૂવારથી તાપમાનનો પારો વધારે નીચે આવશે તેવી આગાહી કરી છે. એટલે કે આગામી દિવસોમાં ઠંડીના ચમકારામાં વધારો થશે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, રાજસ્થાનમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યુલેશનથી ગુરૂવારથી ફરીથી વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. વરસાદ અને બરફવર્ષાના કારણે ઉત્તર ભારતમાં ફરી એક વખત ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જેના કારણે ગુજરાતાં પણ ઠંડીનાં તાપમાનમાં ઘટાડો થશે.

હવાની દિશા બદલાવાના કારણે અને રાજસ્થાન પર સર્જાયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાનમાં પલ્ટો આવશે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનનો પારો 2-3°C નીચો જશે. જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં આગામી બે દિવસ બાદ ઠંડીનો ચમકારો અનુભવાશે. આગામી સમયમાં ઠંડીનું જોર વધી શકે છે તેવું હવામાન વિભાગે કહ્યું હતું.

નોંધનીય છે કે, અમદાવાદમાં 9થી 11 જાન્યુઆરી દરમિયાન વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડવાની સંભાવના છે. આગામી સમયમાં ઠંડીનું જોર વધી શકે છે.