• AI ફ્લાઇટ 171 દુર્ઘટનાના તમામ 260 મૃતકોની ઓળખ પૂર્ણ થઈ, જેમાં 254 DNA અને 6 ચહેરા ઓળખ દ્વારા પાર્થિવ દેહો પરિવારજનોને સોંપાયા.
  • મૃતકોમાં 181 ભારતીય, 52 બ્રિટિશ, 7 પોર્ટુગલના, 1 કેનેડિયન અને 19 નોન-પેસેન્જરનો સમાવેશ થયો હતો.
  • આ કામગીરીમાં આરોગ્ય વિભાગ, પોલીસ, FSL, AMC અને સ્વયંસેવકોના સંકલનથી ઓળખ અને વિતરણ પ્રક્રિયા ઝડપી અને સફળ રહી.
  • પાર્થિવ દેહોમાંથી 31 હવાઈ માર્ગે અને 229 રોડ માર્ગે તેમના વતન મોકલાયા, જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓ અને વિદેશના શહેરોનો સમાવેશ થાય છે.
  • આ દુર્ઘટનાની ઓળખ પ્રક્રિયા અને સંવેદનશીલ વ્યવસ્થાપન માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તમામ ટીમોને અભિનંદન પાઠવ્યા.

Ahmedabad plane crash: 12 જૂન, 2025 ના રોજ અમદાવાદમાં બનેલી કરુણ વિમાન દુર્ઘટનાના તમામ 260 મૃતકોના પાર્થિવ દેહને સન્માનપૂર્વક તેમના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, AI ફ્લાઇટ 171 ના તમામ પેસેન્જર અને ક્રૂ મેમ્બરના DNA નમૂનાઓ મેચ થઈ ગયા છે, અને આ તમામ મૃતકોની ઓળખ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.

ઓળખ પ્રક્રિયા અને વિગતો

મંત્રી એ વધુ વિગતો આપતા જણાવ્યું કે, અત્યાર સુધીમાં DNA ટેસ્ટ દ્વારા 254 અને ચહેરા દ્વારા 6 એમ કુલ 260 મૃતકોની ઓળખ થઈ ચૂકી છે, જેમના પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. ઓળખાયેલા 260 મૃતકોમાં 181 ભારતના નાગરિક, 7 પોર્ટુગલના, 52 બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ 19 નોન-પેસેન્જરનો સમાવેશ થાય છે. 254 DNA મેચ થયેલા મૃતકોમાંથી 241 પેસેન્જર અને 13 નોન-પેસેન્જર હતા. કુલ 19 નોન-પેસેન્જરના પાર્થિવ દેહ સોંપાયા, જેમાં 13 ની ઓળખ DNA રિપોર્ટથી અને 6 ની ઓળખ ચહેરાથી કરાઈ છે.

વહીવટી સંકલન અને પ્રશંસા

મંત્રી પટેલે આ ક્ષણે સમગ્ર ઘટના બાદની કામગીરી અને સુપેરે વ્યવસ્થાપન કરનાર આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી), AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ની ટીમ, સ્વયંસેવકો સહિતના તમામ લોકોનો આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું કે, આ તમામ વિભાગોના સંકલનના પગલે DNA મેચ અને પાર્થિવ દેહ સોંપણીની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ઝડપી થઈ શકી છે, અને આ તમામ લોકોને અભિનંદન પણ પાઠવ્યા હતા.

પાર્થિવ દેહોની વિતરણ વિગતો

સોંપવામાં આવેલા પાર્થિવ દેહો પૈકી 31 હવાઈ માર્ગે (બાય એર) અને 229 રોડ માર્ગે (બાય રોડ) મોકલવામાં આવ્યા હતા. રાજ્યો અને શહેરો મુજબની વિગતવાર યાદીમાં ઉદયપુર (7), વડોદરા (24), ખેડા (11), અમદાવાદ (73), મહેસાણા (7), બોટાદ (1), જોધપુર (1), અરવલ્લી (2), આણંદ (29), ભરૂચ (7), સુરત (12), પાલનપુર (1), ગાંધીનગર (7), મહારાષ્ટ્ર (13), દીવ (14), જુનાગઢ (1), અમરેલી (2), ગીર સોમનાથ (5), મહીસાગર (1), ભાવનગર (3), લંડન (13), પટના (1), રાજકોટ (3), રાજસ્થાન (2), નડિયાદ (1), બનાસકાંઠા (2), જામનગર (2), પાટણ (4), દ્વારકા (2), સાબરકાંઠા (1), નાગાલેન્ડ (1), મોડાસા (1), કચ્છ (1), ખંભાત (2), મણિપુર (1), કેરળ (1) અને મધ્યપ્રદેશ (1) નો સમાવેશ થાય છે.