Ahmedabad plane crash visuals: આજે ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં એક ગમખ્વાર વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં ૧૦ ક્રૂ સભ્યો સહિત કુલ ૨૪૨ લોકો સવાર હતા. આ ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હોવાના અહેવાલ છે, જેઓ તેમની પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા.
ભાજપના નેતાઓ રૂપાણીના નિવાસસ્થાને:
આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની માહિતી મળતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચવાનું શરૂ કરી દીધું છે. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રૂપાણીના ઘરે પહોંચ્યા હતા, જોકે તેમણે મીડિયા સાથે કોઈ વાતચીત કરી ન હતી. બીજી તરફ, રૂપાણીના ઘરની બહાર લોકોની ભીડ ઉમટી પડી છે અને તેઓ પૂર્વ મુખ્યમંત્રીની સલામતી માટે મહામૃત્યુંજયના નારા લગાવી રહ્યા છે.
દુર્ઘટનાની વિગતો અને બચાવ કામગીરી:
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ક્રેશ થયેલ એર ઈન્ડિયાના વિમાનમાં ૨૩૨ મુસાફરો અને ૧૦ ક્રૂ સભ્યો હતા. બોઈંગ વિમાન ટેકઓફ થયા પછી તરત જ નીચે ઉતરતું જોવા મળ્યું હતું અને બપોરે ૨ વાગ્યે એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં એક રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. અકસ્માત પછી તરત જ, સમગ્ર વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટા ઉડતા જોવા મળ્યા હતા, જે ભયાવહ દ્રશ્ય સર્જી રહ્યા હતા.
ઘટનાસ્થળે કટોકટી પ્રતિભાવ ટીમો તાત્કાલિક પહોંચી ગઈ હતી અને બચાવ, સ્થળાંતર અને અગ્નિશામક કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. ઘણા લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે, અને તેમને શહેરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. ડેપ્યુટી પોલીસ કમિશનર કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, જાનહાનિ અંગેની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. ફાયર ઓફિસર જયેશ ખાડિયાએ આગ ઓલવવા માટે ફાયર એન્જિન મોકલવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી.
સરકારી પ્રતિભાવ અને એર ઇન્ડિયાનું નિવેદન:
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના અંગે ગૃહ પ્રધાન અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાને બંનેને તાત્કાલિક અમદાવાદ જવા અને અકસ્માતથી પ્રભાવિત તમામ લોકોને સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યા છે.
એર ઈન્ડિયાએ પણ 'X' (અગાઉ ટ્વિટર) પર સત્તાવાર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, "અમદાવાદ-લંડન ગેટવિક ફ્લાઇટ નંબર AI171 આજે, ૧૨ જૂન ૨૦૨૫ ના રોજ ક્રેશ થયું હતું. અમે હાલમાં વિગતો શોધી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમારી વેબસાઇટ તેમજ X હેન્ડલ પર વધુ માહિતી શેર કરીશું."