અમદાવાદ: બાપ નંબરી તો બેટા દસ નંબરી આ કહેવત તો તમે સાંભળી જ હશે. હવે આ કહેવતને સાર્થક કરતી ઘટના સામે આવી અમદાવાદમાં. જેમાં એક પિતા પુત્રએ પોતાની લાગવગનો દૂર ઉપયોગ કરી કૌભાંડ આચરતા ચકચાર મચી જવા પામી છે. આ કોભાંડમાં જે વ્યક્તિનું નામ સામે આવ્યું છે તે જિલ્લા પંચાયતના પૂર્વ સિવિલ એન્જિનિયર છે.
મુકેશ શાહ સરકારી પદ પરથી નિવૃત્ત હોવા છતા જિલ્લા પંચાયતના ડુપ્લિકેટ રબર સ્ટેમ્પ રાખતા
અમદાવાદ જિલ્લા પંચાયતના પૂર્વ એન્જિનિયર મુકેશ શાહ અને તેના પુત્ર જિમીત શાહ પર ગંભીર આરોપ સાથે અમદાવાદમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સમગ્ર ઘટમા અંગે વિગતે વાત કરીએ તો, જિમીત શાહ અને તેમના પિતા મુકેશ શાહ સામે ગંભીર આરોપ લાગ્યા છે. મુકેશ શાહ સરકારી પદ પરથી નિવૃત્ત હોવા છતા જિલ્લા પંચાયતના ડુપ્લિકેટ રબર સ્ટેમ્પ રાખતા હતા અને તેના આધારે કૌભાંડો આચરતા હતા.
પિતા પુત્ર નકલી રબર સ્ટેપનો ઉપયોગ કરી ગેરરીતિ આચરતા
આ અંગે જ્યારે પોલીસ ફરિયાદ કરવામાં આવી ત્યારે સમગ્ર કાંડ બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં જિમીત શાહ અને મુકેશ શાહના ઘરેથી જિલ્લા પંચાયતનો ડુપ્લિકેટ રબર સ્ટેમ્પ પણ મળી આવ્યો હતો. તો બીજી તરફ જિમીત શાહ જે કંપનીમાં નોકરી કરતો હતો તેનો પણ રાઉન્ડ રબર સ્ટેમ્પ તેમના ઘરેથી મળી આવ્યો હતો. આ બન્ને પિતા પુત્ર નકલી રબર સ્ટેપનો ઉપયોગ કરી ગેરરીતિ આચરતા હતા.
આ કૌભાંડમાં બીજા અનેક ખુલાસા થઈ શકે છે
આ સમગ્ર મામલે અમદાવાદ વટવા જીઆઇડીસીમાં બાયોટેક કંપની ચલાવતા દિનેશ પટેલે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુકેશ શાહ અને તેમના પુત્ર જિમીતની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે,ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે, જિમીત શાહ ગાંધીનગર સહિત રાજ્યના અનેક ઉચ્ચ અધિકરીઓ સાથે ધરોબો ધરાવે છે. જો કે, જિમીત શાહનું કૌભાંડ સામે આવતા જ તેની સાથે સંપર્ક રાખનાર અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. બની શકે કે, આ કૌભાંડમાં બીજા અનેક ખુલાસા થઈ શકે છે. કારણ કે, જિમીત શાહે અધિકારીઓની મિલી ભગતથી કોઈ અન્ય રેકેટ કર્યા છે કે નહીં તેની તપાસ થશે ત્યારે અનેક ચોંકાવનારી હકિકતો સામે આવી શકે છે.