ભરૂચ જિલ્લાના નાનકડા પિરામણ ગામમાં 21 ઓગસ્ટ, 1949ના રોજ જન્મેલા અહમદભાઈ મોહમ્મદભાઈ પટેલની રાજકીય કારકિર્દી ભારે રોમાંચક રહી છે. અહમદ પટેલ સતત લાઈમલાઈટમાં રહ્યા છે ને આવી રાજકીય કારકિર્દી બહુ ઓછા રાજકારણીઓને મળે. 1976માં માત્ર 27 વર્ષની ઉંમરે ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીતીને રાજકીય સફર શરૂ કરનારા પટેલ 1977માં માત્ર 26 વર્ષની ઉંમરે જ ભરૂચ લોકસભા બેઠક જીત્યા હતા ને ઓ વખતે સૌથી યુવાન સાંસદ બન્યા હતા.
અહેમદ પટેલની એ વખતની જીતે ઇન્દિરા ગાંધી સહિતના દિગ્ગજ કોંગી નેતાઓને પણ ચોંકાવી દીધા હતા. એ પછી 1980 અને 1984માં ફરી જીતીને તેમણે હેટ્રિક કરી પણ 1989માં પહેલી વાર ભાજપના ચંદુભાઈ દેશમુખ સામે હાર્યા. 1991માં ફરી હાર્યા પછી તેમણે લોકસભાની ચૂંટણી લડવાનું છોડ્યું અને 1993માં પહેલી વાર રાજયસભાના સાંસદ બન્યા ત્યાર બાદ ફરી 5 વખત રાજ્યસભામાં ચૂંટણી જીત્યા. તેઓ ત્રણ વખત લોકસભાના સાંસદ (1977, 1980,1984) અને પાંચ વખત રાજ્યસભાના સાંસદ (1993,1999, 2005, 2011, 2017) રહ્યા છે.
રાજનેતાઓ અહમદ પટેલને ‘બાબુ ભાઈ’, ‘અહમદ ભાઈ’ અને ‘એપી’ ના નામથી ઓળખતા હતા. દાયકાઓ સુધી તેઓ કોંગ્રેસ પાર્ટીના રણનીતિક કાર રહેવાની સાથે સાથે મુસ્કેલથી મુશ્કેલ સમયમાં પાર્ટીને સંકટમાંથી બહાર કાઢનાર મહા રણનીતિકાર પણ રહ્યા.
અહમદ પટેલ વર્ષ 2001થી 2017 સુધી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજનીતિક સચિવ પણ રહ્યા હતા. 2018માં રાહુલ ગાંધીના અધ્યક્ષ બન્યા બાદ અહમદ પટેલને કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આમ તો 1996થી લઈને 2000 સુધી પટેલ આ પદ પર રહ્યા હતા. જોકે રાહુલ ગાંદીના નેતૃત્વ દરમિયાન પણ અહમદ પટેલ હાઈકમાન્ડ અને નેતાઓની વચ્ચે એક મહત્ત્વની કડી બની રહ્યા.
વર્ષ 1985માં રાજીવ ગાંધીએ અહમદ પટેલને ઓસ્કર ફર્નાન્ડીઝ અને અરૂણ સિંહની સાથે પોતાના સંસદીય સચિવ બનાવ્યા હતા. તે સમયે આ ત્રણેયને ‘અમર-અકબર-એંથની’ ગેંગ કહેવામાં આવ્યા હતા. પ્રથમ વખત અહમદ પટેલ ત્યારે જ ચર્ચામાં આવ્યા હતા.
કોંગ્રેસ પાર્ટીમાં તેમણે અનેક જવાબદારી સંભાળી હતી. જાન્યુઆરી 1986થી ઓક્ટોબર 1988 સુધી ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ રહેવા ઉપરાંત તેઓ સપ્ટેમ્બર 1985થી જાન્યુઆરી 1986 સુધી અને બાદમાં મે 1992થી ઓક્ટોબર 1996 સુધી બે વખત પાર્ટી મહાસચિવના પદ પર રહ્યા.
તેમને ઘણી વખત કેન્દ્રીય મંત્રિમંડળમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મળ્યો, પરંતુ તેમણે કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાને પ્રાથમિકતા આપી. દાયકાઓ સુધી કોંગ્રેસ પાર્ટી માટે તેમણે કામ કર્યું પરંતુ ક્યારેય તેઓ મંત્રી ન બન્યા.