ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી, મુખ્યમંત્રીએ રાજ્યમાં દારૂબંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ગુજરાતમાં દારૂબંધી હળવી નહીં થાય, મહિલાઓની સલામતી માટે પણ દારૂબંધી જરૂરી છે, તેમણે જણાવ્યું હતું કે મહિલાઓની આર્થિક અને સામાજીક સુરક્ષા માટે દારૂબંધી તેમજ હુકકાબાર પર પ્રતિબંધ જેવા કાયદાઓ ગુજરાતમાં અમલી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ મત વ્યકત કર્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સેવેલા નવા ભારતના નિર્માણના સપનાને ભારતને આર્થિક મહાસત્તા-ફાઇવ ટ્રિલીયન ડોલર ઇકોનોમી તરીકે પ્રસ્થાપિત કરીને પાર પાડવામાં નારી-માતૃશક્તિના દરેક ક્ષેત્રે યોગદાન અને સહભાગીતાથી જ સાકાર કરી શકાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઉજવણી અંતર્ગત ગુજરાત સરકારની આગવી પહેલ રૂપે રાજ્યની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માનદ વેતનની ચુકવણી DBT મારફતે સીધા જ બેંક ખાતામાં ચુકવવાની પારદર્શી પદ્ધતિનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ વ્હાલી દિકરી યોજના અંતર્ગત દિકરીના જન્મ બાદ તેના અભ્યાસની ચિંતા સરકારે કરીને પહેલા ધોરણમાં પ્રવેશ વેળાએ રૂ. 4 હજારથી શરૂ કરીને 18 વર્ષની ઉંમરે ઉચ્ચશિક્ષણ-લગ્ન માટે કુલ મળીને 1 લાખ રૂપિયા સરકાર વ્હાલી દિકરીઓને આપે છે તેનો ચિતાર આપ્યો હતો.