અમદાવાદ: ગિફ્ટ સિટીમાં દારુ પીવાની છૂટ આપવામાં આવી છે. વર્ષ 2024માં રાજય સરકાર દ્વારા આ છૂટ આપવામાં આવી હતી. પરંતુ આ સાથે જ કેટલાક કડક નિયમો પણ બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે ફરી એક વખત રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટી વિસ્તારમાં નશાબંધીના અમલમાં વધુ કેટલીક છૂટછાટો જાહેર કરવામાં આવી છે. આ કારણે ગિફ્ટ સિટીમાં કામ કરતા વિવિધ કંપનીઓના કર્મચારીઓ અને મુલાકાતીઓને દારુ પીવાની છૂટ મળશે.
કર્મચારી પોતાના આઇકાર્ડ પર લીકર પરમિટ મેળવી શકશે
ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને દારૂ પરમિટ મેળવવા પોતાની કંપનીના લેટરપેડની જરૂર નહીં રહે. જેની કંપની ગિફ્ટ સિટીમાં છે તેના કર્મચારી પોતાના આઇકાર્ડ પર લીકર પરમિટ મેળવી શકશે. આઇકાર્ડ ઉપર કર્મચારીને 2 વર્ષની લીકર પરમિટ મળી જશે. કંપનીનો કર્મચારી પોતાની કંપનીના 5 મુલાકાતીઓને દારૂ પીવડાવી શકશે.
કંંપનીનો કર્મચારી 5 મુલાકાતી માટે લિકરની ભલામણ કરી શકશે
હવેથી કર્મચારી પોતે જ 5 લોકોની વિગત સાથેનું ફોર્મ ભરી દારૂની પરમિટ અપાવી શકશે. ગ્રુપ પરમીટમાં જેની પાસે મંજૂરી છે તેમણે અલગથી મંજૂરી લેવાની જરૂરી નથી. ગ્રુપ પરમીટમાં હવે પોતાની કંપનીમાં પણ દારૂનું સેવન કરી શકાશે. અગાઉ કંપનીના એચ આર જેની ભલામણ કરે તેને જ 2 વર્ષની પરમિટ આપવાની જોગવાઈ હતી. કંપનીના મુલાકાતીઓ માટે પણ એચ આરની ભલામણ ચિઠ્ઠીની જોગવાઈ હતી. ગ્રુપ પરમીટમાં ગિફ્ટ સિટીમાં માત્ર 2 જ સ્થળે છૂટછાટ હતી.
સરકારને લાખો રુપિયાની આવક થઈ
ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાતા ગુજરાતમાં દારૂનું ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ છે. પરંતુ તાજેતરમાં સામે આવેલી માહિતી અનુસાર, રાજ્ય સરકારે વર્ષ 2023માં ગિફ્ટ સિટી માટે આ નિયમમાં કેટલીક છૂટછાટ આપી હતી, જેના પરિણામે સરકારને લાખો રૂપિયાની આવક થઈ છે.
ગુજરાત સરકારને ગિફ્ટ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી)માં દારૂના વેચાણથી રૂ. 94.19 લાખની આવક થઈ છે. હકીકતમાં, રાજ્યમાં દારૂબંધી હોવા છતાં, 30 ડિસેમ્બર, 2023થી ગિફ્ટ સિટીમાં દારૂના વપરાશને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે (24 માર્ચ, 2025) ગુજરાત વિધાનસભામાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે 31 જાન્યુઆરી, 2025 સુધીમાં ગિફ્ટ સિટીમાં 3, 324 બલ્ક લિટર સ્પિરિટ, 470 બલ્ક લિટર વાઇન અને 19,915 બલ્ક લિટર બિયરનું વેચાણ થયું છે.
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ગિફ્ટ સિટીમાં દારૂ વેચવા માટે બે કંપનીઓને લાઇસન્સ આપવામાં આવ્યા છે. જેમાં વેસ્ટ ઇન્ડિયા રિક્રિએશન પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને 9 જાન્યુઆરી, 2024ના રોજ અને ગ્રાન્ડ મર્ક્યુરીને 10 જાન્યુઆરી, 2024ના રોજ લાઇસન્સ મળ્યું છે.