દારુબંધીના લીરેલીરા ઉડાડતી ઘટના દાહોદના દેવગઢ બારીયા તાલુકાના જંબુસર ગામમાં સામે આવી છે. જ્યાં ભાજપના ઉમેદવારની ચૂંટણી બેઠક પૂર્ણ થયા બાદ મતદારોને રીઝવવા માટે દારુનું વિતરણ શરૂ થયું હતું.


મતદારો માટે દેશી દારૂની સાથે સાથે વિદેશ દારૂની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સાથે જ બિયરની પેટીઓ પણ હતી. જેમાંથી એક પછી એક ટીન મત ખરીદવા માટે મતદોરોને આપવામાં આવી રહ્યા હતા.

ચૂંટણી જીતવા માટે કહેવાતા લોકશાહીના આ રક્ષકો દારુબંધીના કેવા જામ છલકાવી રહ્યા છે તે જોઈને પ્રદેશના નેતાઓનું માથું શરમથી ઝુકી જવું જોઈએ.

ઉમેદવારની કિંમત તેની યોગ્યતાથી નહીં, પણ દારુની બોટલથી લગાવવામાં આવી રહી છે. દારુની લાલચ આપીને મત ખરીદવાનો આ ખેલ માત્ર દાહોદમાં જ નહીં, રાજ્યમાં અનેક સ્થળોએ ચાલી રહ્યો છે.

આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ તો એ છે કે આટલી છૂટથી દારુની રેલમછેલની વચ્ચે રાજ્યની પોલીસ અને ચૂંટણી પંચ શું કરી રહ્યા છે. આ કડવું સત્ય તેમને કેમ દેખાતું નહીં હોય.