Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થતાં છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ ગઇ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છમાં ભારે વરસાદનું અનુમાન છે.  આ સિવાય હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી લઈ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.     

કચ્છમાં આજે પણ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. જોકે  કચ્છમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે.  હવામાન વિભાગની આગાહી મુજબ 9 સપ્ટેમ્બર એટલે કે આજથી ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદનું જોર ઘટી જશે. જો કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત સહિતના વિસ્તારમાં ક્યાંક ક્યાંક છુટછવાયો ભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે આજે (9 સપ્ટેમ્બર)થી રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

રાજ્યમાં  સરેરાશ 92.64 ટકા વરસાદ

આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ પર છે અને નાગરિકોને પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં  સરેરાશ 92.64 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 96.94 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 96.91 ટકા, પૂર્વ-મધ્યમાં 93.79 ટકા, કચ્છમાં 85.14 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 84.74 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.      

સુઈગામમાં છેલ્લા બે દિવસમાં 17 ઈંચ વરસાદ

બનાસકાંઠાના સુઈગામમાં છેલ્લા બે દિવસમાં 17 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે સુઈગામની બજારો-ખેતરો જળમગ્ન થયા હતા. સુઈ ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.  સુઈગામથી નડાબેટ સુધી માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો. બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં ગઈકાલે વરસેલા મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બે દિવસમાં સુઈગામમાં 17 ઈંચથી વધુ વરસાદ વરસતા જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી.