Alpesh Thakor: માણસાના ધમેડા ગામમાં આજે યોજાયેલા ઠાકોર સમાજના સંમેલનમાં એક નિવેદનને લઇને રાજકીય વિવાદ ઉભો થયો હતો. ઋષિ ભારતી બાપુએ જાહેર મંચ પરથી નિવેદનમાં કહ્યું હતુ કે, અલ્પેશ ઠાકોર ઉપમુખ્યમંત્રી ના બન્યા તેનું મને ઘણુ દુઃખ છે. અલ્પેશ ઠાકોરને સરકારમાં ઉપમુખ્યમંત્રી બનાવવાના હતા, તેના માટે ગાંધીનગરમાં અનેક બેઠકો થઇ હતી, પરંતુ અંતે ના બનતા મને ઘણુ દુઃખ થયુ છે. ધમેડામાં ઠાકોર સમાજના જાહેર મંચ પર તમામ પક્ષના મોટા નેતાઓ ઉપસ્થિત અને આ વાતને લઇને જોરદાર વિવાદ થયો હતો. હવે મામલે અલ્પેશ ઠાકોરે જાહેર મંચ પરથી ખાસ અપીલ કરી છે.
ઠાકોર સમાજના જાહેર મંચ પરથી અલ્પેશ ઠાકોરે સરકાર પદને લઇને સ્પષ્ટ કરી છે, અલ્પેશ ઠાકોરે ઋષિ ભારતીનું નામ લીધા સિવાય મંચ પરથી અપીલ કરતાં કહ્યું કે, આ વાતો બિનજરૂરી છે, આપણે નકારાત્મક નિવેદનોથી બચવુ જોઇએ, નકારાત્મક નિવેદનથી સમાજમાં કોઈને કશું મળતુ નથી. આવી વાતો કરવાથી જેમની પાસે જે છે એ પણ પુરુ થઇ જશે.
ઋષિ ભારતી બાપુ શું કહ્યું ?આજે માણસાના ધમેડા ગામે ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયુ હતુ, જેમાં ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરને લઇને આશ્ચર્યજનક નિવેદન આપ્યુ હતુ. તેમને કહ્યું કે, અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવા અનેક પ્રયાસો થયા હતા. અનેક બેઠકો પણ થઇ પરંતુ બની શક્યા નહીં, તેનુ મનુ ઘણુ દુઃખ છે. ઋષિભારતીએ કહ્યું કે, ઠાકોર સમાજના જ કેટલાક લોકોએ વાઈટ કોલર ગુલામી કરી છે, આપણે પૉઝિશન નહીં પાવરમાં આવવું પડશે.
ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ અને ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લઇને જાહેર મંચ પરથી ઋષિ ભારતીએ આશ્ચર્યજનક નિવેદન આપ્યુ હતુ, ઋષિ ભારતીના નિવેદન પર અલ્પેશ ઠાકોરે જવાબ આપ્યો છે. અલ્પેશ ઠાકોરે મીડિયા સામે ઉપમુખ્યમંત્રીના સવાલથી કિનારો કરી દીધો હતો અને અસ્પષ્ટ જવાબ આપ્યો હતો, અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ઋષિ ભારતીએ શું કહ્યુ તે હું જાણતો નથી, સરકારમાં તમામ સમાજને યોગ્ય સ્થાન આપી રહી છે. મહત્વનું છે કે આ મુદ્દે ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે પણ ફૂંકી ફૂંકીને જવાબો આપ્યા હતા.