Morbi : અમરનાથ ગુફા [પાસે વાદળ ફાટવાની મોટી હોનારત બાદ ઘણા લોકો ફસાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ અમરનાથ યાત્રાએ ગયેલા મોરબી જિલ્લાના હળવદના ચાર યુવકો ફસાયા છે. ફસાયેલા ચારમાંથી એક યુવક હાલ આર્મી કેમ્પ પહોંચ્યો છે, જયારે બાકીના ત્રણ યુવકો પણ આર્મી કેમ્પ પહોંચવાની તૈયારીમાં હોવાની મોરબી વહીવટી તંત્રએ માહિતી આપી છે.
ચારેય યુવકો સહીસલામત: મોરબી વહીવટી તંત્ર
આ અંગે મોરબી વહીવટી તંત્રએ જણાવ્યું છે કે આ ચારી યુવકો સહીસલામત છે. હળવદના શામજીભાઈ વશરામભાઈ ભરવાડ, પ્રવીણ સિંધાભાઈ ભદ્રેશિયા, પ્રવીણભાઈ રમેશભાઈ કુરિયા અને નયનભાઈ ગોરધનભાઈ બાબરીયા એમ આ ચાર વ્યક્તિઓ અમરનાથ યાત્રાએ ગયા હતા. ગુમ યુવાનો પૈકી નયનભાઈ ગોરધનભાઈ બાબરીયા ભારતીય સેનાના કેમ્પમાં પહોંચ્યો અન્ય ત્રણ પણ ટૂંક સમયમાં સેનાના કેમ્પમાં પહોંચશે
16 યાત્રાળુઓના મૃતદેહ બહાર કઢાયા
અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાના કારણે અત્યાર સુધીમાં 16 શ્રદ્ધાળુઓના મોત થયા છે. લગભગ 40 લોકો ગુમ છે અને 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. આર્મી, એનડીઆરએફ અને એસડીઆરએફ સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલી અનેક ટીમો સતત રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે
રાતભર ચાલુ રહી બચાવ કામગીરી
શનિવારે અમરનાથ દુર્ઘટના સ્થળ પર પહોંચેલા જમ્મુ અને કાશ્મીર પોલીસના એડિશનલ ડાયરેક્ટર જનરલ વિજય કુમારે કહ્યું કે કાટમાળને હટાવવામાં આવી રહ્યો છે. કાટમાળ હટાવ્યા બાદ જ મૃતકોનો ચોક્કસ આંકડો જાણી શકાશે. તેમણે કહ્યું કે આતંકવાદી હુમલાના ખતરાને ધ્યાનમાં રાખીને આ વખતે તમામ મુસાફરોને રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન કાર્ડ આપવામાં આવ્યા છે. આ સાથે સંબંધિત ડેટા પણ જોવામાં આવી રહ્યો છે.
છ ફૂટ સુધી કાટમાળ જમા થયો છે
અમરનાથ ગુફાની ઉપરથી જે પાણી આવતું હતું તેની સાથે માટી અને પત્થરો આવ્યાં હતા. જેના કારણે નાળા પાસે છ ફૂટ જેટલો કાટમાળ જમા થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે કાટમાળને કારણે વધુ નુકસાન થયું છે. કાટમાળ નીચે દબાઈ જવાને કારણે અનેક લોકોના મોત થયા છે. આ જ કાટમાળ ગુમ થયેલા લોકોની શોધમાં અડચણ બની રહ્યો છે.