પાલનપુર: યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું  કેન્દ્ર છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવી વેચાણ કરવામાં આવે છે. વર્ષ દરમ્યાન લગભગ એક કરોડ પચ્ચીસ લાખ જેટલા મોહનથાળ પ્રસાદનું વેચાણ કરવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકોને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતાને ધ્યાને રાખતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા તમામ માપદંડોને આધારે અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. 

આ સિદ્ધિ મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકોને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતા તથા મંદિરના ખાદ્ય વ્યવસ્થાપન અને શિસ્તબદ્ધ કામગીરીનું પ્રતિબિંબ છે. ખાસ કરીને આ સફળતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ પ્રાપ્ત થયેલ છે.

ધાર્મિક સ્થળોએ જેમણે પ્રસાદ તૈયાર કરવો અને વિતરણ કરતી વખતે ફૂડ સેફ્ટી, સ્વચ્છતા અને ગુણવત્તાના કડક માપદંડો અનુસર્યા હોય તેમને જ “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્ર આપવામાં આવે છે.

અંબાજી મંદિરની આ સિદ્ધિ સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. ભવિષ્યમાં પણ મંદિર ટ્રસ્ટ આ દિશામાં સતત પ્રગતિ કરાશે તેમ મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

બનાસકાંઠાનેે જિલ્લાને મળશે કરોડોના વિકાસકામોની ભેટ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના સરહદી ગામ સુઈગામથી ગુરૂવાર ૨૪મી જુલાઈએ એક જ દિવસમાં ૩૫૮.૩૭ કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ કામોની ભેટ બનાસકાંઠાને આપશે.  મુખ્યમંત્રી ગુરુવારે સવારે 10:00 કલાકે સુઈગામ પહોંચશે અને ત્યાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. ૧.૮૩ કરોડના ખર્ચે નવનિર્મિત બસ મથકનું લોકાર્પણ કરશે. એસ.ટી. નિગમ દ્વારા  આગામી દિવસોમાં નાગરિકોની સેવા માટે મૂકવામાં આવનારી ૧૯૬૩ નવિન બસોના પ્રથમ ચરણમાં ૧૧ નવિન બસોને તેઓ ફ્લેગઓફ પણ આપવાના છે. 

આ ઉપરાંત નડાબેટ ખાતે યોજાનારા કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાને આરોગ્ય, માર્ગ મકાન, શિક્ષણ, ઉર્જા સહિતના વિભાગોના ૫૫.૬૮ કરોડ રૂપિયાના ઈ-લોકાર્પણ અને ૩૦૨.૬૯ કરોડના ઈ-ખાતમુહૂર્ત કામો સીએમ ભૂપેન્દ્ર પટેલ સંપન્ન કરશે. 

રાજ્ય સરકારે છેવાડાના ગામોના બાળકોને પણ શાળા-શિક્ષણ મળી રહે તે માટે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળાઓના વર્ગખંડોનું નિર્માણ હાથ ધરેલું છે. બનાસકાંઠામાં આવા ૪૫ નવા વર્ગખંડોના લોકાર્પણ અને ૫૪ના ખાતમુહૂર્ત ગુરુવારે યોજાનારા કાર્યક્રમમાં થશે. બનાસકાંઠા જિલ્લાના ગામોમાં ગુણવત્તા યુક્ત વીજળી પુરવઠો પૂરો પાડવાના હેતુથી  અંદાજે રૂપિયા 29 કરોડ ના ખર્ચે નિર્માણ થયેલા 66 કે.વી ના 3 સબ સ્ટેશનના લોકાર્પણ અને બે સબ સ્ટેશનના ખાતમુહર્ત તેઓ કરશે.

મુખ્યમંત્રી આ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા  બાદ નડાબેટ બોર્ડર આઉટ પોસ્ટ ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો સાથે સંવાદ-મુલાકાત અને નડેશ્વરી માતાના મંદિરે પૂજન-દર્શન પણ કરવાના છે.  ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને બનાસકાંઠા જિલ્લા પ્રભારી તથા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુત અને પદાધિકારીઓ આ સમારોહમાં મુખ્યમંત્રી સાથે સહભાગી થશે.