અમદાવાદ : રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 27 જુલાઇથી મહીસાગર અને વડોદરા પંથકમાં અતિભારે વરસાદની આગાહી છે. અમુક વિસ્તારોમાં આઠથી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે. ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ મેઘ મહેરની શક્યતા છે.
ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે
અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. જૂલાઈમાં સૂર્યનો પ્રવેશ પુષ્ય નક્ષત્રમાં થશે. પુષ્ય નક્ષત્રમાં વરસાદી પાણી સારૂ ગણાશે. હાલમાં 3 સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે આ કારણે વરસાદી માહોલ જામ્યો છે.
ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિના માટે વિસ્તૃત આગાહી કરી છે. તેમના મતે, આગામી ઓગસ્ટ મહિનો પણ વરસાદથી ભરપૂર રહેશે, જેમાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી રહેશે, જેના કારણે સમગ્ર મહિના દરમિયાન સારો વરસાદ પડવાની શક્યતા છે. તેમણે ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટ ના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો
ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે. અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે. 23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.
એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે. ગુજરાતમાં 28મી જુલાઈ સુધી આખા ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. 25થી 28મી જુલાઈ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાનને જોડતી એક સિસ્ટમ તથા મોન્સૂન ટ્રફને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે.