Ambaji Temple aarti timings: આગામી ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખીને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર ખાતે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, યાત્રાળુઓની સગવડતા માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે અને જાહેર જનતાને તેની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.
તા.૩૦/૦૩/૨૦૨૫ના રોજ ચૈત્ર સુદ - ૧ (એકમ), જે રવિવારના દિવસે આવે છે, તે દિવસે સવારે ૦૯:૧૫ કલાકે ઘટસ્થાપના કરવામાં આવશે. આ દિવસે આરતી સવારે ૦૭:૦૦ થી ૦૭:૩૦ સુધી અને સાંજે ૧૯:૦૦ થી ૧૯:૩૦ સુધી થશે. દર્શનનો સમય સવારે ૦૭:૩૦ થી ૧૧:૩૦, બપોરે ૧૨:૩૦ થી ૧૬:૩૦ અને સાંજે ૧૯:૩૦ થી ૨૧:૦૦ સુધી રહેશે. જ્યારે રાજભોગ બપોરે ૧૨:૦૦ કલાકે યોજાશે.
આ ઉપરાંત, તા.૦૫/૦૪/૨૦૨૫ના રોજ ચૈત્ર સુદ-૮ (આઠમ) અને તા.૧૨/૦૪/૨૦૨૫ના રોજ ચૈત્ર સુદ-૧૫ (પુનમ)ના દિવસે આરતીનો સમય સવારે ૦૬:૦૦ વાગ્યાનો રહેશે. આ વિશેષ તિથિઓ સિવાય, તા.૦૬/૦૪/૨૦૨૫થી મંદિરના દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ રહેશે.
આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તજનોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ દર્શન માટે ઉપરોક્ત જણાવેલા સમય અનુસાર જ આવે. આ ફેરફાર નવરાત્રી દરમિયાન યાત્રાળુઓને વધુ સારી સુવિધા મળી રહે તે માટે કરવામાં આવ્યો છે. ભક્તોને મંદિરની વેબસાઇટ અને અન્ય સત્તાવાર માધ્યમો દ્વારા પણ સમયપત્રકની માહિતી મેળવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.