Gujarat Rain:  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઇને આગાહી કરી છે. અંબાલાલ પટેલે ઓક્ટબર સુધીના હવામાનનું આંકલન કર્યું છે. એબીપી અસ્મિતા સાથે વાત કરતા તેમણે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગણેશ પર્વ દરમિયાન પણ વરસાદની ઝાપટાનું અનુમાન વ્યક્ત કર્યું છે.  ભાદરવી પૂનમના મેળા સમયે પણ વરસાદ યથાવત રહેશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ 28 ઓગસ્ટના રોજ વરસાદનું જોર વધશે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં 6 ઇંચથી વધુ અને દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચની આસપાસ વરસાદ પડી શકે છે. આ ભારે વરસાદને કારણે તાપી, નર્મદા અને સાબરમતી જેવી નદીઓમાં જળસ્તર વધી શકે છે. તેમણે સપ્ટેમ્બર મહિનામાં અને નવરાત્રિના અંતિમ દિવસોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ 30 સપ્ટેમ્બર બાદ ચોમાસુ રાજ્યમાંથી વિદાય લેશે. ઓક્ટોબર મહિનામાં હળવા  ઝાપટા  પડશે.  સપ્ટેમ્બર અંત સુધીમાં ચોમાસાની અસર રહેશે. આ વર્ષનો વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે.

આ વર્ષે નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષે નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતા રહેશે.   રાજ્યના અનેક જિલ્લાઓમાં નવરાત્રિના તહેવાર દરમિયાન વરસાદ વિલન બની શકે છે.  અનેક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે વરસાદ નવરાત્રિ તહેવારમાં મજા બગાડી શકે છે.  ખેલૈયાઓની મજા આ વર્ષે વરસાદ બગાડશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.    

રાજ્યમાં 85 ટકાથી વધુ સરેરાશ વરસાદ વરસ્યો

રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 28  ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ની યાદી મુજબ, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.03 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 75 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 70  ડેમ 70 થી 100 ટકા, 25 ડેમ 50 થી 70 ટકા, 20 ડેમ 25 ટકા થી 50 ટકા વચ્ચે અને 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 100 ડેમ હાઈ એલર્ટ, 28 ડેમ એલર્ટ તથા 17 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.