Continues below advertisement


Gujarat Rain: ગુજરાતમાં હાલ ચોમાસુ સંપૂર્ણ રીતે સક્રિય છે અને હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં આજે ભારે વરસાદની શક્યતા છે.


દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.


સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સક્રિય


હાલમાં લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ જેવી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે. આ સિસ્ટમને કારણે દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે, તેથી માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી


જ્યારે અમદાવાદમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 13% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર છે.


અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો


રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૮૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ૮૯ ટકા વરસાદ, કચ્છમાં ૮૫.૧૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૩.૮૪ ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં ૮૧.૦૩ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.


સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ની યાદી મુજબ, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૭૯.૦૩ ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૭૫ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે. જ્યારે ૭૦ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૨૦ ડેમ ૨૫ ટકા થી ૫૦ ટકા વચ્ચે અને ૧૬ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં ૧૦૦ ડેમ હાઈ એલર્ટ, ૨૮ ડેમ એલર્ટ તથા ૧૭ ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.


રાજ્યમાં ચાલુ ચોમાસાની સ્થિતિમાં તા.૦૧ જૂન ૨૦૨૫થી હમણાં સુધી ૫૩૧૧ નાગરિકોનું સ્થળાંતર અને ૧૦૦૫ પાણીમાં ફસાયેલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને ૧૪ હજાર થી વધુ રૂટ ઉપર ૪૦ હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે. ગુજરાતના માછીમારોને તા.૨૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધી દરિયો નહિ ખેડવા IMD દ્વારા જણાવાયું છે.