ગાંધીનગર: રાજ્યમાં હાલ તો વરસાદે વિરામ લીધો છે. નવી સિસ્ટમ સક્રિય થતા હવે ફરી વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદને લઈ નવી આગાહી કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ નવરાત્રિના તહેવારમાં ભારે વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલની આ આગાહીને લઈ ખેલૈયાઓ ચિંતામાં છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ માટે વરસાદ વિલન બની શકે છે.
તેમણે આવનારા સમયમાં રાજ્યના હવામાનમાં આવનારા ફેરફાર, ચોમાસાની વિદાય અને વાવાઝોડા અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યા મુજબ રાજ્યમાં ચોમાસું વિદાય લેશે.
ફરી વરસાદનો નવો રાઉન્ડ આવશે
બંગાળના ઉપસાગરમાં સક્રિય થનારી નવી સિસ્ટમને કારણે ફરી વરસાદનો નવો રાઉન્ડ આવશે. નવરાત્રિમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. નવરાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય થશે. આમ નવરાત્રિ દરમિયાન વરસાદની આગાહીના પગલે ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ છે.
ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે
અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનશે જે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે ચોમાસાના વિદાયના પડઘમ વાગી રહ્યા છે. ચોમાસાની વિદાય ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનના અન્ય ભાગમાંથી વિદાય થવાની શક્યતા છે. એન્ટી સર્ક્યુલેશન બનાવાની શક્યતા રહેશે.
ઓક્ટોબરની શરૂઆતમાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાય
તેમણે આગાહી કરતા વધુમાં જણાવ્યું હતું કે, 22 સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસું વિદાય લેતુ જોવા મળશે. 30 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆતમાં રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઇ ગઈ હશે. કારકત માસમાં ઝાપટા પડવાની શક્યતા છે. માવઠા થવાની શક્યતા છે.
શું છે હવામાન વિભાગની આગાહી
વરસાદનું જોર ઘટી જવાના કારણે રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ફરી એક વખત રાજ્યમાં વરસાદ ભૂક્કા બોલાવશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.