Gujarat rain forecast: ગુજરાતમાં હાલ વરસાદનો થોડો વિરામ જોવા મળી રહ્યો છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદના બીજા રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 20 જુલાઈ સુધી માત્ર છૂટોછવાયો વરસાદ જોવા મળશે. પરંતુ, 22 જુલાઈથી મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરશે અને વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. એટલું જ નહીં, 27 થી 30 જુલાઈ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરી સંભાવના છે.
ક્યાં કેવો વરસાદ પડશે?
આગાહી મુજબ, આ બીજા રાઉન્ડમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સૌથી સારો વરસાદ વરસી શકે છે. વડોદરા અને આણંદ સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઈંચ કે તેથી વધુ, જ્યારે પંચમહાલમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબકવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ હળવાથી લઈને 3 ઈંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે. આ ઉપરાંત, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડવાની વકી છે. સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો, ત્યાં પણ મેઘરાજા મહેરબાન રહેશે. ખાસ કરીને દ્વારકા, પોરબંદર અને જામનગર પંથકમાં વધુ વરસાદી ઝાપટાં પડી શકે છે.
દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં પણ ભારે વરસાદની શક્યતા
દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદનું જોર જોવા મળશે. 30 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની આગાહી છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરશે. 24 થી 26 જુલાઈની વચ્ચે મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.
આ પણ વાંચોઃ હવામાનમાં મોટો પલટો: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
ઓગસ્ટ મહિનાની આગાહી અને સિસ્ટમની અસર
ઓગસ્ટ મહિનાના વરસાદ અંગે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, મહિનાની શરૂઆતમાં જ અણધાર્યો વરસાદ આવી શકે છે. 9 ઓગસ્ટથી જો ભારે ઝાપટાં પડવાની શરૂઆત થશે, તો પાછળથી પણ મોટો વરસાદ થવાની શક્યતાઓ છે. આ વરસાદી માહોલ પાછળના કારણો સમજાવતા તેમણે કહ્યું કે, પેસિફિક મહાસાગરમાં MJO (મેડન જુલિયન ઓસિલેશન) ની સ્થિતિ નબળી પડતા હવે બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. હાલમાં એક સિસ્ટમ બની રહી છે અને 24 જુલાઈ બાદ વધુ એક સિસ્ટમ આકાર લેશે. જોકે, ઓગસ્ટમાં સારો અને સતત વરસાદ થવાને કારણે ખેતીના પાકોને થોડી અસર (હરકત) પહોંચી શકે છે તેવું અનુમાન પણ તેમણે વ્યક્ત કર્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
