અમદાવાદ: રાજ્યના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવશે. 7 જુલાઈ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રથયાત્રાના દિવસે રાજ્યના કેટલાક શહેરોમાં ધીમીધારે વરસાદ પડવાની શક્યતા. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.
25 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. અષાઢી પાંચમે ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી
- દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પંચમહાલના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
- પંચમહાલ વિસ્તારમાં વધુ પ્રમાણમાં વરસાદ પડવાની આગાહી છે.
- 7 જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં વીજળીના ચમકારા સાથે વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના છે.
- અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.
- રથયાત્રાના દિવસે રાજ્યના કેટલાક શહેરોમાં છૂટાછવાયા વરસાદી છાંટા પડવાની શક્યતા છે.
- બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણની સિસ્ટમ બનવાની સંભાવના છે, જેના કારણે 8થી 14 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
- અષાઢી પાંચમે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
- 15 તારીખે બંગાળનાં ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનતા રાજ્યમાં વરસાદ લાવશે.
- તારીખ 25 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત,દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનાં ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
- રાજ્યના કેટલાક ભાગોમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે.
શુક્રવારે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ મધ્યમ રહેશે. આ સિવાય રાજ્યના દક્ષિણ-પશ્ચિમ, સૌરાષ્ટ્ર અને પૂર્વ ભાગ સહિતના કેટલાંક જિલ્લામાં ધીમીધારે વરસાદ પડશે.
શનિવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ ધારે વરસાદનું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
રવિવારે રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદનું પ્રમાણ મધ્યમ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી.
ગુજરાતના અનેક જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં જોરદાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને લઈ અનેક નદી નાળા છલકાયા છે.