અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં હજુ પણ આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે હવે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, ચોમાસાના પડધમ વાગી રહ્યા છે. પ્રિમોનસૂન એક્ટિવિટી પણ ચાલુ થવાની છે. સવારમાં વાદળો આવચતા હોય છે અને બપોરે વાદળો ફરી જતા રહે આ પ્રકારની પ્રક્રિયા સતત એક મહિના સુધી ચાલતી રહે છે, આવી પ્રક્રિયાઓ શરુ થઈ ગઈ છે. જૂનની 15 તારીખની આસપાસમાં ચોમાસાની શરુઆત થવાની શક્યતા છે. 15થી 30માં ચોમાસુ શરુ થશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ભારતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. પરંતુ ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત માવઠા સાથે થઇ છે. મે મહિનામાં પણ માહોલ ચોમાસા જેવો જોવા મળી રહ્યો છે. તામપાન સામાન્ય કરતા પણ નીચું રહ્યું છે. એપ્રિલ મહિનામાં સતત કમોસમી વરસાદ પડ્યો છે.
રાજ્યમાં હજુ બે દિવસ કમોસમી વરસાદ પડશે
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ફરી એક વખત આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદ પડશે. 48 કલાક બાદ 3થી 5 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હજુ બે દિવસ ખેડૂતોના માથે માવઠાનું સંકટ યથાવત રહેશે.
હવામાન વિભાગે આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જામનગર, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિત કચ્છમાં ભારે પવન સાથે માવઠાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પવન સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે.
સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં પણ માવઠું પડી શકે છે. હવામાન વિભાગના મુજબ રાજ્યના મોટાભાગના શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જો કે બે દિવસ બાદ કમોસમી વરસાદનું જોર ઘટશે. વરસાદી અસર ઓછી થતાં ફરી ગરમીનો પારો વધશે. આગામી બે દિવસ બાદ મહત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી વધી શકે છે. મોટા ભાગના શહેરમાં તાપમાનનો 40 ડિગ્રીને પાર જવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના અનેક શહેરમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી છે. હવામાન વિભાગે 9 મેના રોજ અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ આપ્યું છે.