ગાંધીનગર: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદ વરસશે. આજે છોટાઉદેપુર અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે. 


અમદાવાદ, વલસાડ, દાહોદમાં જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેશે.  ગાજવીજ સાથે અનેક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે.  દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, દમણમાં અતિભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે. આ સિવાય પંચમહાલ, વડોદરા અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરાઈ છે. 


ઉતર ગુજરાતના પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  ત્રણ દિવસના વરસાદ બાદ અન્ય સિસ્ટમ સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ વરસશે.  


સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 136 મીટરને પાર  


ઉપરવાસમાંથી પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 136 મીટરને પાર પહોંચી છે. બપોરે 12 વાગ્યે 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 1 લાખ 45 હજાર ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક 9 લાખ 38 હજાર 060 ક્યૂસેક છે. 3 કલાકમાં સરેરાશ આવક 6 લાખ 82 હજાર 791 ક્યૂસેક છે. 


રિવરબેડ પાવરહાઉસમાંથી 41 હજાર 919 ક્યૂસેકની જાવક છે. પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, એટલે કે સંપૂર્ણ ડેમ ભરાવામાં 3.26 મીટર બાકી છે. પાણીની ધરખમ આવકથી ડેમ છલોછલ થાય તોપણ નવાઈ નહીં.


સરદાર સરોવર નર્મદા ડેમ બપોરના 3 કલાકે 


પાણીની સપાટી - 136.88 મીટર
મહત્તમ સપાટી - 138.68 મીટર
પાણીની આવક - 11,68,235 ક્યૂસેક


બપોરે 3 કલાકે 23 દરવાજા 2.95 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 5,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.  1 કલાકમાં પાણીની સપાટીમાં 25 સે.મી.નો વધારો. પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લી.તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહેલ છે.


ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.  ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પુરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.