Sardar Sarovar Narmada Dam:  મધ્ય પ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યોમાં વહેતી નદીઓની જળસપાટીમાં વધારો થયો છે. નદીઓ પર બનેલા ડેમના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક જગ્યાએ રસ્તા ધોવાઈ ગયા છે. રેલવે ટ્રેક પર ટ્રેનો થંભી ગઈ છે. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદના કારણે નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે કાંઠા વિસ્તારોના ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.


શિનોરના મામલતદાર મુકેશ શાહના જણાવ્યા મુજબ, હાલ નર્મદા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. એક બાદ એક 10 દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદીમાં પાણી છોડાશે. એક લાખ 45 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે, જેથી નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે. કરજણા તાલુકાના 11 ગામોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત વડોદરાના વિશ્વામિત્રી અને દેવ નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. વાઘોડીયા તાલુકાના નદીકાંઠાના 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મામલતદાર અને તલાટી કમ મંત્રીને હેડક્વાટર્સ ન છોડવા તાકીદ કરવામાં આવી છે.


ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં થયો વધારો


દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઇ છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતો અને લોકોમાં ખુશી છે. હાલ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 2 લાખ 86 હજાર ક્યુસેક પાણીની આવક છે. ડેમ ની સપાટી 338.12 ફૂટ પર પહોંચી છે. ડેમના સત્તાધીશો દ્વારા 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્રના હથનુર ડેમના 41 દરવાજા ખોલવામાં આવ્યા છે, હથનુર ડેમમાંથી 3 લાખ 42 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે,જે પાણી આગામી 30 કલાક સુધીમાં ઉકાઈ ડેમમાં આવશે.


ડભોઈમાં વહેલી સવારથી વરસાદી માહોલ


વડોદરાના ડભોઇ પંથકમાં સતત મેઘમહેર જોવા મળી રહી છે. વહેલી સવારથી ધીમીધારે પંથકમાં વરસાદ છે. સવારે 6 વાગ્યા થી 11.30 સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. મહુડી ભાગોળ, લાલબજાર, વકીલ બંગલા વિસ્તારમાં વરસાદ  છે. આ સિવાય ચણવાડા, સીતપુર,ચાંદોદ, કરનાળી, સહિતના ગામોમાં પણ વહેલી સવારથી વરસાદ છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતો ખુશખુશાલ થઈ ઉઠ્યા છે.