Ambalal Patel : રાજ્યમાં ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરીછે. રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની પ્રબળ સંભાવના છે, જેમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું સક્રિય થયું છે, જેની અસર બંગાળના ઉપસાગર પર વર્તાશે. આ સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ અને પૂર્વ ગુજરાત તરફ આગળ વધતા ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે. 19 જુલાઈથી પશ્ચિમ ઘાટમાં વરસાદની શક્યતા રહેતા, ધીમે ધીમે 21 થી 23 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ શકે છે.

ગ્રહોના ફેરફારો અને 20મી જુલાઈએ સૂર્યના પુષ્ય નક્ષત્રમાં પ્રવેશને કારણે રાજ્યના હવામાનમાં પલટો આવશે. આજના દિવસથી જ કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે 20મી જુલાઈથી આવનાર વરસાદી વહનનું પાણી કૃષિ પાકો માટે ખૂબ સારું ગણાશે અને ખેડૂતોને "વરાપ" થતા કૃષિ કાર્યો કરવા ફાયદાકારક રહેશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, ખાસ કરીને 26 થી 29 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે, જેમાં સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાનું અનુમાન છે, જ્યાં કોઈ પણ ભાગમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે.

રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો

 

 

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે.  અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે.  23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 અને 22 જુલાઇએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે.  એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.