Ambalal Patel weather forecast: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 20થી 24 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં નોંધપાત્ર વરસાદની આગાહી કરી છે.
અંબાલાલ પટેલ અનુસાર આગામી 20થી 24 જુલાઈ દરમિયાન ક્યાં કેટલો વરસાદ પડશે
- વલસાડના કેટલાક ભાગોમાં 10 ઇંચ સુધીનો વરસાદ
- પોરબંદર દ્વારકા વિસ્તારમાં 8 9 ઇંચ જેટલો ધોધમાર વરસાદ
- ખંભાળિયામાં 8 ઇંચ, ભાવનગરમાં 7 ઇંચ
- સુરત અને પંચમહાલમાં 6 8 ઇંચ
- જામનગરમાં 5 ઇંચ
- સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 10 ઇંચ સુધીનો વરસાદ
- અમદાવાદ ગાંધીનગરમાં 4 ઇંચ
- રાધનપુરમાં 8 ઇંચ, વિરમગામ પાટડી દસાડામાં 7 ઇંચ
- લીંબડીમાં 8 ઇંચ અને સાબરકાંઠામાં 4 ઇંચ
- નળસરોવર અને સૂઇગામમાં 7 ઇંચ
આ આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ જણાવી રાહત કમિશનર આલોક પાંડેએ વરસાદની વિગતો આપી હતી. પાંડેએ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં પડેલ વરસાદની વિગતો આપતાં કહ્યું કે, પોરબંદર જિલ્લામાં ૩૦૧ મી.મી., દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં ૨૨૭ મી.મી., જુનાગઢ જિલ્લામાં ૧૭૬ મી.મી., વલસાડ જિલ્લામાં ૧૯૫ મી.મી., જામનગર જિલ્લામાં ૮૬ મી.મી., ગીર સોમનાથ જિલ્લામાં ૬૫ મી.મી., રાજકોટ જિલ્લામાં ૪૬ મી.મી., નવસારી જિલ્લામાં ૪૧ મી.મી. વરસાદ તથા અન્ય જિલ્લાઓમાં ૧ ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સાંજના ૬.૦૦ કલાક સુધીમાં સરેરાશ ૩૨૮.૪૪ મી.મી. વરસાદ વરસ્યો છે. જે સરેરાશ વરસાદની સામે ૩૭.૨૦ ટકા જેટલો થાય છે. રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી હાઈ એલર્ટ પર ૧૩, એલર્ટ પર ૧૧ અને વોર્નિંગ પર ૧૬ જળાશયો છે. રાજ્યના ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ ૨,૦૫,૧૨૨ એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ ક્ષમતાનો ૩૬.૬૨ ટકા જેટલો છે. સરદાર સરોવરમાં ૧,૮૩,૫૩૨ એમ.સી.એફ.ટી જેટલો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના ૫૪.૯૪ ટકા જેટલો છે.
પાંડેએ જણાવ્યું કે, હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે.