દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લઈ જનજીવન પર અસર થઈ છે. દ્વારકા જિલ્લાના ભાણવડમાં ભારે વરસાદને પગલે બજારોમાં નદીના પાણી ફરી વળ્યા હતા.  ભારે વરસાદને લઈ સતાપર ડેમ પણ ઓવરફ્લો થયો છે.  મૂશળધાર વરસાદને લઈ ભાટીયા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેને લઈ જનજીવન પ્રભાવિત થયું હતું. ભાટીયાની મુખ્ય બજારમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદને લઈ ભાટીયાને જોડતા રસ્તાઓ બંધ થયા હતા. 


યાત્રાધામ હર્ષદની બજારોમાં કેડસમા પાણી ભરાયા


ભાણવડ તાલુકાના ઢેબર ગામે મૂશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદને લઈ ગામમાં નદીની જેમ પાણી વહેતા થયા હતા.  યાત્રાધામ હર્ષદની બજારોમાં કેડસમા પાણી ભરાયા હતા.  અનેક યાત્રાળુઓ કલાકો સુધી ફસાયા હતા.  જો કે, બાદમાં તેઓ પાણીમાંથી પસાર થઈને બહાર નીકળ્યા હતા.  સલાયામાં પણ વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.  સ્થાનિકોએ વીડિયો બનાવી પ્રશાસન પાસે મદદ માગી હતી. વરસાદને લઈ સલાયા ચૂડેશ્વરને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. જેને લઈ પ્રશાસને અહીં અવર-જવર પર રોક લગાવી હતી. 


ખંભાળિયા પાસેનો સિંહણ ડેમ છલકાયો


ભારે વરસાદને લઈ દ્વારકા જિલ્લાના જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ખંભાળિયા પાસેનો સિંહણ ડેમ છલકાયો છે.  સિંહણ ડેમ ઓવરફ્લો થતાં આસપાસના 25 ગામોને પીવાનું પાણી મળી રહેશે.  ભાણવડ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો સતસાગર ડેમ પણ ઓવરફલો થયો છે.  સતસાગર ડેમ છલકાતા ભાણવડવાસીઓ ડેમ પર પહોંચ્યા હતા. કલ્યાણપુરનો સિંધણી ડેમ પણ ઓવરફ્લો થયો છે.  કલ્યાણપુર તાલુકો અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા સિંધણી ડેમ છલકાતા ડેમના હેઠવાસના ગામોને એલર્ટ કરાયા હતા. 


રેલ વ્યવહાર ખોરવાયો


રાજ્યમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે.  પોરબંદરમાં  ભારે વરસાદને કારણે રેલ વ્યવહારને અસર થઈ છે.  3 ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ કરાઈ છે.  જ્યારે 3 ટ્રેન આંશિક રીતે રદ જ્યારે 2 ટ્રેન ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  પોરબંદર ભાણવડ પોરબંદર, પોરબંદર ભાવનગર પોરબંદર, પોરબંદર કાનાલુસ પોરબંદર આજના દિવસે સંપૂર્ણપણે રદ રહેશે.  રાજકોટ પોરબંદર એક્સપ્રેસ જેતલસર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.  દિલ્હી સરાઇ રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેન ભાણવડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.