Rain Forecast: હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી સતત સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ધોધમાર વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલા પટેલે 19 જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ19 જૂન સુધી રાજ્યમાં  ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા વ્યક્ત કરી છે. , પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. 19 બાદ વરસાદનું જોર ઘટશે પરંતુ બાદમાં 26થી 30 જૂન દરમિયાન ફરી એક વરસાદનો રાઉન્ડ આવશે આ વરસાદના રાઉનડમાં મૂશળધાર વરસાદનું અનુમાન વ્યકત કર્યું છે. આ સાથે  કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિના નિર્માણની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી તાપમાનમાં વધારો થતાં લોકો ગરમીથી અને ઉકળાટ બફારાનો અનુભવ  કરી રહ્યાં હતા. જો કે રાજ્ય પર 4 સિસ્ટમ એકી સાથે એક્ટિવ થતાં ચોમાસાને ગતિ મળતાં રાજ્યમાં ચોમાસાના આગમન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. તાજેતરના અહેવાલ પ્રમાણે ભાવનગર જિલ્લાના પાલિતાણાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદી માહોલ સર્જાયો છે. ગઈકાલે માત્ર ચાર કલાકમાં 6 ઇંચ વરસાદ પડી ગયો જેમાં કેટલાક લોકોના ઘરમાં પાણી ભરાયા હતા અને ઘરવખરીને નુકસાન થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 19 જૂન સુધી સાર્વત્રિક વરસાદ રહેશે.

આજે કયાં પડશે વરસાદ

17 જૂન મંગળવાર એટલે કે આજે  અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર,  પંચમહાલ, દાહોદ, મહાસાગર અરવલ્લી, ખેડા,  આણંદ, જિલ્લામાં મોટા ભાગની જગ્યાએ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.

18 જૂને ક્યાં જિલ્લામાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,  ઉપરાંત મધ્યગુજરાતમાં ખેડા, અમદવાદના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્માં રાજકોટ,મોરબી, ગીરસોમનાથ, બોટાદ,ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.તો કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.

19 જૂને ક્યાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ 19 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાસાગર જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર વરસાદ પડી શકે.  છે.સાઉથ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ઘણી જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે જે હળવાથી લઈને મધ્યમ વરસાદ રહેશે.દિવમાં ભારે વરસાદની ચેતવણી અપાઇ છે.

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગઇકાલે વરસાદ વરસ્યો,ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો, અહીં ગઇકાલે વહેલી સવારથી વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ હતી. મહુવા તાલુકાના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કોટિયા, કળમોદર, વાવડી, બગદાણામાં વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં ચોમાસાના પહેલા વરસાદ આફત રૂપ બન્યો છે. અહીં થોરાડી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થતા પિતા-પુત્ર તણાયા હતા. જાબાળ ગામ પાસે બળદ ગાડું લઈને આવતા પિતા-પુત્ર તણાયા હતા. જેમાં પિતાનું મોત થયું છે.જ્યારે  ફાયરની ટીમે પુત્રને બચાવી લીધા હતા.રાજુલા, જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ખાંભા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અહીં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.ધારી તાલુકાના સરસીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.