અમદાવાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાને લઈને આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, 2024ની શરૂઆત થતાં જ ગુજરાતમાં માવઠું પડશે.  1થી5 જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ, સૌરાષ્ટ્રના વિસ્તારમા ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતો પરેશાન છે. આ વરસાદથી પાકને ખૂબ જ મોટાપાયે નુકસાન થયું છે.  


નવા વર્ષની શરુઆતની સાથે જ 2024ની શરૂઆતમાં જ વરસાદની આગાહીને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે. અંબાલાલે આગાહી કરી છે કે, 1થી5 જાન્યુઆરી સુધીમાં રાજ્યના પૂર્વ અને દક્ષિણ, સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ વરસશે. બાદમાં વાતાવરણમાં પલટો આવશે અને ઉત્તરાયણમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વધુમાં આગાહી કરતા જણાવ્યું હતું કે, 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે.


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે.  આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. વધુમાં કહ્યું કે, જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે. ગુજરાતનાં ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ પણ આગાહી કરાઈ છે. 


નવેમ્બરના માવઠાથી રાજ્યમાં 83 કરોડના પાક ધોવાયા


રાજ્યમાં ગયા નવેમ્બર મહિનામાં થયેલા માવઠાથી ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચ્યુ છે. રાજ્યના ખેડૂતોને કેટલુ નુકસાન પહોંચ્યુ છે, અને કયા કયા પાકોને નુકસાન થયુ છે, તે અંગે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 83.80 કરોડ રૂપિયાનુ નુકસાન ખેડૂતોના પાકને થયુ છે. મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં નવેમ્બર મહિનામાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ચોમાસાની જેમ ધોધમાર વરસાદ ખાબક્યો હતો, આ સમયે રાજ્યમાં રવિ પાક હતો અને આ તમામ પ્રકારના  રવિ પાકને મોટુ નુકસાન પહોંચ્યુ હતુ. ગયા નવેમ્બરમાં થયેલા માવઠાથી રાજ્યના 5 હજારથી વધુ ખેડૂતોને નુકશાન થયુ છે. 


રાજ્યના 1747 ગામમાં ખેતીના પાકમાં માવઠાની અસર થઇ છે. 98813 હેક્ટર જમીનની અંદરના ઉભા પાકને નુકશાન થયાનો અંદાજ છે. અંદાજિત ખેડૂતોને 83.80 કરોડ રૂપિયાનું નુક્શાન થયાનો અંદાજ છે. આ માવઠાથી રાજ્યમાં જીરું, સવા, ઇસબગુલ, વરિયાળી, અજમો જેવા પાકમાં નુકસાન પહોંચ્યુ છે, આ ઉપરાંત દિવેલા કપાસ, રાય, ડાંગર, મકાઈ જેવા પાકમાં પણ નુકસાન થયાનો અંદાજ છે.