Ambalal Patel Forecast: આવતીકાલથી ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રીમોનસુન એકટીવિટિ સાથે વરસાદની શરૂઆત થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 12 થી 15 એપ્રિલ વચ્ચે આંધીવંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. બપોર બાદ પ્રીમોનસુન એકટીવિટિ શરૂ થવાની શક્યતા છે. 16 એપ્રિલ થી રાજ્યના ભાગોમાં ગરમીનું પ્રમાણ વધશે. રાજ્યના કેટલાક ભાગોમાં 43 ડિગ્રી તાપમાન નો પારો જવાની શક્યતા છે. મે મહિનાના બીજા સપ્તાહમાં ફરી ભારે આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એકટીવિટિ શરૂ થશે. તારીખ 24 મે થી 6 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા છે. 14 જૂન આસપાસ રાજ્યમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વિધિવત વરસાદની શરૂઆત થશે. રાજ્યમાં આ વર્ષે એકંદરે ચોમાસુ સારુ રહવાની શક્યતા અંબાલાલ પેટેલે વ્યક્ત કરી છે.


દિલ્હી સહિત દેશના રાજ્યોમાં તાપમાનમાં વધારાને કારણે ગરમી વધી છે. રાજસ્થાન, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 40-43 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, કચ્છ, મરાઠવાડા, પૂર્વ રાજસ્થાનમાં અલગ-અલગ સ્થળોએ તાપમાન સામાન્ય કરતા 2-4 ડિગ્રી સેલ્સિયસ વધારે છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન બાડમેરમાં મહત્તમ 42.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે ઉત્તર ભારતમાં સૌથી વધુ છે. આ પછી ગુજરાતમાં રાજકોટ સૌથી ગરમ સ્થળ હતું જ્યાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી, ભુજ અને ગાંધીનગરમાં 41.1, રાજસ્થાનના જોધપુરમાં 41 અને જેસલમેરમાં 40.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે પણ અહીં ભારે ગરમી પડવાની શક્યતા છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક દરમિયાન દેશના ઘણા રાજ્યોમાં વરસાદ અને કરા પડી શકે છે. 13 એપ્રિલે જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની સંભાવના છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં 14 એપ્રિલે વરસાદ અને કરા પડી શકે છે. પૂર્વ મધ્યપ્રદેશ અને વિદર્ભમાં 11 અને 12 એપ્રિલે વરસાદ અને કરાનું એલર્ટ છે.


હવામાન વિભાગે કહ્યું કે 14 એપ્રિલે જમ્મુ-કાશ્મીર-લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં અલગ-અલગ જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય હિમવર્ષા થવાની પણ સંભાવના છે.


દિલ્હીનું તાપમાન સતત વધી રહ્યું છે. બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન વધીને 39.1 ડિગ્રી સેલ્સિયસ થયું હતું, જે આ વર્ષે શહેરમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. IMD ડેટા દર્શાવે છે કે બીજા ક્રમે સૌથી વધુ મહત્તમ તાપમાન 9 માર્ચે 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. માહિતી અનુસાર, બુધવારે દિલ્હીનું મહત્તમ તાપમાન આ સિઝનની સરેરાશ કરતાં ચાર ડિગ્રી વધુ હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.