અમદાવાદ :  હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે.  હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે અંબાલાલ પટેલે પણ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલ મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 

ભારેથી અતિભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વરસાદની નવી સિસ્ટમ આવવાને કારણે ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ વિસ્તારોમાં 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. 

18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદ વિરામ લેશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનો દાવો છે કે 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદ વિરામ લેશે. જ્યારે 24થી 30 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના  અનુસાર, 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે.  જેને લઈ 2 થી 10 ઈંચ જેટલો વરસાદ વરસશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે.  નવી સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજથી મેઘરાજા ધડબડાટી બોલાવશે.

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી 

આજથી મેઘરાજા ધડબડાટી બોલાવશે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણામાં ભારે વરસાદનું અનુમાન છે. સાથે જ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે.

હવામાન વિભાગની વરસાદની આગાહી મુજબ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ બે દિવસ ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના પાટનગર અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં  14 જુલાઇથી જ તેની અસર શરૂ થઇ જશે. સૌરાષ્ટ્રમાં 13 જુલાઇથી  દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ,  જામનગર, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે  વરસાદનું અનુમાન છે.

દક્ષિણ ગુજરાતમાં 14થી 17ના વરસાદના રાઉન્ડમાં ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે.   પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગરમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે.