રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજે મુંબઈ તથા પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમણે વલસાડ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી હતી. તે સિવાય 27 મેથી 3 જૂન સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.

તે સિવાય ખંભાત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદની શક્યતા છે. માછીમારોને દરિયો ન ખેડવા અંબાલાલ પટેલે અપીલ કરી હતી. 28 મેથી 3 જૂન સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસશે. ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાવવાની અંબાલાલ પટેલે આગાહી કરી હતી.

તેમણે આગાહી કરી હતી કે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસશે. ચોમાસુ 10 જૂન સુધી ગુજરાત પહોંચે તેવી શક્યતા છે. 28મેથી 3 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી શકે છે. તે સિવાય મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. કચ્છના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. ખેડૂતોને તૈયાર પાકોને સલામત સ્થળે રાખવા અંબાલાલે અપીલ કરી હતી.

રવિ પાકો, ખરીફ પાકો અને ઉનાળુ પાકો માટે ચિંતાનો વિષય છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન સાથે ચોમાસુ આવશે. 10મી જૂન સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણીલાયક વરસાદ થશે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી સપ્તાહે ગુજરાતમાં ચોમાસું બેસે તેવી શક્યતા છે. 29 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે. 30, 31 તારીખે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ હતી.

હવામાન વિભાગે મુંબઈ, થાણે, રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું, જેને સોમવારે સવારે રેડ એલર્ટમાં બદલી દેવામાં આવ્યું હતું. આ જિલ્લાઓમાં મંગળવારે ભારે વરસાદ માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ચોમાસુ નિર્ધારિત સમય કરતા 16 દિવસ વહેલું આવી જતાં મે મહિનામાં સૌથી વધુ વરસાદનો 107 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો. ભારે વરસાદને કારણે, મધ્ય રેલ્વેની હાર્બર લાઇન પર લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી અને ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હોવાથી હજારો લોકો અટવાઈ ગયા હતા. તે જ સમયે, હવામાન વિભાગે આજે પણ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્રમાં વરસાદ અને ભારે પવન ફૂંકવાની આગાહી કરી છે.