રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત સાધારણ રહી છે. રાજ્યમાં અત્યાર સુધી 23 ટકા વરસાદ થયો છે અને ગયા વર્ષે 18 જુલાઇ સુધી રાજ્યમાં 36 ટકા વરસાદ થયો હતો. આમ ગયા વર્ષની સરખામણીએ 13 ટકા ઓછો વરસાદ વરસ્યો છે. અને સરેરાશની સામે રાજ્યમાં 39 ટકાની ઘટ છે.


રાજ્યમાં 33માંથી 32 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે. તાપીમાં સરેરાશથી 73 ટકા, ગાંધીનગરમાં 69 ટકા તો દાહોદમાં 61 ટકા વરસાદની ઘટ છે. તો 9 જિલ્લાઓમાં વરસાદની 50 ટકાથી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. છેલ્લા 6 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.


વરસાદના અભાવે વાવેતર પર ઘટ્યું છે. રાજ્યમાં 85 લાખ 54 હજાર હેક્ટરમાં સરેરાશ વાવેતર થાય છે. પરંતુ તેની સરખામણીમા આ વર્ષે અત્યાર સુધી 46 લાખ 80 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. એટલે કે 55 ટકા ઓછું વાવેતર થયું છે.


તો ગયા વર્ષની વાત કરીએ તો 48 લાખ 71 હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું. જ્યારે આ વર્ષે અત્યાર સુધી 46 લાખ 80 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. એટલે કે ગયા વર્ષની સરખાણીમાં પણ એક લાખ 91 હજાર હેક્ટરમાં ઓછું વાવેતર થયું છે.


ગુજરાતમાં વરસાદની આગાહી


હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી પાંચ દિવસ ભારે વરસાદ (Rain) વરસી શકે છે. હવામાન વિભાગના મતે પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ (Rain) વરસી શકે છે. જ્યારે ભરૂચ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદ (Rain)ની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે વડોદરા, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.


બીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ (Rain)ની આગાહી છે. ત્રીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ (Rain) વરસી શકે છે. આ સિવાય આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્યથી હળવો વરસાદ (Rain) વરસી શકે છે.


અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, સિદ્ધપુર, વિસનગર, હારીજ અને સમીમાં પણ સામાન્ય વરસાદ (Rain) વરસી શકે છે. તો 22 જુલાઈથી 25 જુલાઈ વચ્ચે  રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે.