બનાસકાંઠા: ઉત્તર ગુજરાતમાં આજે સવારથી જ વરસાદી માહોલ છે. બનાસકાંઠા, પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરીગઢ અને દાંતામાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવન સાથે વરસેલા ભારે વરસાદના કારણે ધાનેરા માર્કેટીગ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓની  જણસ પલળી છે. માર્કેટ યાર્ડમાં રાયડો, બાજરી સહિતનો પાક પલળ્યો છે.  ભારે પવનના કારણે ડીસા તાલુકાના વરનોડા, જુનાડીસા, બાઈવાડા, કંસારી સહિતના ગામોમાં ઘરના પતરા અને તબેલાના શેડ ઉડ્યા હતા. 




ધોધમાર વરસાદથી બનાસકાંઠાના ધાનેરામાં તારાજી સર્જાઈ છે.  વોકળામાં પાણીની ભરપૂર આવક થતા રસ્તા બ્લોક થયા છે.  સુઈગામ, વાવ, ભાભર, થરાદ, ધાનેરા, લાખણી, દિયોદર સહિતના વિસ્તારોમાં ભારે પવનથી નુકસાન થયું છે. 


વાવાઝોડુ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયુ હોવાથી રાજ્યમાં વવાઝોડાની અસર  ઓછી થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ભારે વરસાદ રહેશે.   અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  વાવાઝોડુ રાજ્સ્થાન તરફ આગળ વધ્યુ છે.


ગુજરાતના આ વિસ્તારને લઈને હવામાન વિભાગે આપ્યું એલર્ટ


અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય નામના ચક્રવાતે ગુજરાત અને રાજસ્થાનને બરાબરનું ધમરોળ્યું હતું. ગુજરાતમાં કચ્છમાં તો દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાએ રીતસરનો કહેર વરસાવ્યો હતો. હજી આ તારાજીમાંથી ગુજરાત બહાર નથી આવ્યુ ત્યાં ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે. હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. દક્ષિણ રાજસ્થાન, ઉત્તર ગુજરાતના આસપાસના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.


ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ચક્રવાત બિપરજોય હવે નબળું પડી ગયું છે અને તે પૂર્વ-ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ઉત્તર ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાં અને દક્ષિણ રાજસ્થાન સહિત એક-બે જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ચક્રવાતને કારણે માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ વરસાદ થઈ રહ્યો છે.


ચક્રવાત બિપરજોયના કારણ નૈઋત્યનું ચોમાસુ નબળું પડશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી. તેના પર પૂર્ણવિરામ મુકતા ડો. મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે, ચોમાસાને આ ચક્રવાત સાથે કોઈ જ લેવાદેવા નથી. ચોમાસું તેના નિર્ધારીત સમય પ્રમાણે જ ધીમે ધીમે આગળ વધી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.