ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ થઈ છે. કોરોના સંક્રમણ વધતા કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. સરકારી હોસ્પિટલમાં સારવાર અને ટેસ્ટીંગની પૂરી વ્યવસ્થા ન હોવાનો અમિત ચાવડાએ દાવો કર્યો છે. ખાનગી હોસ્પિટલ અને લેબમાં સારવાર, ટેસ્ટીંગ કરાવતા દર્દીઓને લૂંટવામાં આવી રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે.


અમિત ચાવડાએ ટ્વિટ કરતા કહ્યું, ગુજરાતમાં COVID19 ની સ્થિતિ બેકાબૂ થઈ ગઈ છે, સરકારી હોસ્પિટલમાં સારવાર, ટેસ્ટિંગની પૂરતી વ્યવસ્થા નથી. ખાનગી હોસ્પિટલ અને લેબમાં સારવાર, ટેસ્ટીંગ કરાવતા દર્દીઓને લૂંટવામાં આવી રહ્યા છે. ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટના ભાવ 500 રૂપિયા વસૂલવા ગુજરાતને રાજસ્થાન મોડલ અપનાવવા પણ અમિત ચાવડાએ સરકારને સલાહ આપી છે.

ગુજરાતમાં શનિવારે કોવિડ-19ના 1598 નવા કેસ નોંધાયા હતા. જ્યારે સંક્રમણના કારણે વધુ 15 લોકોના મોત થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3953 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14792 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 187969 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 14703 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 206714 પર પહોંચી છે.