Amit Shah Gujarat Visit 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ બાદ હવે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) પણ ગુજરાતના મહેમાન બની રહ્યા છે. આગામી 13 થી 15 જાન્યુઆરી દરમિયાન અમિત શાહ તેમના વતનના 3 દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ગાંધીનગર (Gandhinagar) અને અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત, ઉત્તરાયણના પર્વ નિમિત્તે તેઓ કાર્યકરો સાથે પતંગ ચગાવીને મકરસંક્રાંતિની ઉજવણી પણ કરશે.
13 જાન્યુઆરી: વિકાસકાર્યો અને લોકાર્પણનો દિવસ
અમિત શાહના પ્રવાસનો પ્રથમ દિવસ વિકાસકાર્યોને સમર્પિત રહેશે. 13 જાન્યુઆરીના રોજ તેમનો કાર્યક્રમ નીચે મુજબ રહેશે:
સવારે 10:15 કલાકે: માણસા ખાતે એસ.ડી. આર્ટસ અને બી.આર. કોમર્સ કોલેજમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કરશે. આ સાથે માણસામાં અન્ય વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
સવારે 11:45 કલાકે: ગાંધીનગરના પેથાપુરમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ નિર્માણ પામનારા અત્યાધુનિક બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (BSL-4 Laboratory) નું ભૂમિપૂજન કરશે.
બપોરે 2:15 કલાકે: અમદાવાદના સનાથલ (જીવણપુરા રોડ) ખાતે ગ્લોબલ એક્સેલન્સ માટેની ફાર્માસ્યુટિકલ એકેડમીનું ખાતમુહૂર્ત કરશે.
સાંજે 4:15 કલાકે: આણંદ જિલ્લાના ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (CHARUSAT) ના 15માં પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપશે.
સાંજે 5:45 કલાકે: ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા પ્રસિદ્ધ સંતરામ મંદિરે (Santram Mandir) દર્શનાર્થે જશે.
14 જાન્યુઆરી: મકરસંક્રાંતિ અને પતંગોત્સવ
ઉત્તરાયણના દિવસે અમિત શાહ પરંપરાગત રીતે ભગવાનના દર્શન અને કાર્યકરો સાથે તહેવારની ઉજવણી કરશે:
સવારે 10:30 કલાકે: અમદાવાદના જગન્નાથ મંદિરે દર્શન અને ગૌપૂજન સાથે દિવસની શરૂઆત કરશે.
સવારે 11:15 કલાકે: નારણપુરામાં હાઉસિંગ બોર્ડની રિ-ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ સૂર્યા એપાર્ટમેન્ટ (વિભાગ 2) નું ભૂમિપૂજન કરશે.
સવારે 11:30 કલાકે: નારણપુરા સ્થિત અર્જુન ગ્રીન ફ્લેટ ખાતે સ્થાનિક કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણશે.
બપોરે 3:15 કલાકે: અખબારનગર વિસ્તારના આસ્થા ઓપલ ખાતે કાર્યકરો સાથે મકરસંક્રાંતિ ઉજવશે.
બપોરે 3:45 કલાકે: નવા વાડજના અભિષેક એપાર્ટમેન્ટમાં ઉપસ્થિત રહી કાર્યકરોનો ઉત્સાહ વધારશે.
15 જાન્યુઆરી: પુસ્તક વિમોચન
પોતાના પ્રવાસના અંતિમ દિવસે, એટલે કે 15 જાન્યુઆરીએ સવારે 10:45 કલાકે તેઓ અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે એક સાહિત્યિક કાર્યક્રમમાં હાજરી આપશે. અહીં સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને ડૉ. ગૌતમ પટેલ દ્વારા સંપાદિત 'આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલી'નું વિમોચન તેમના હસ્તે કરવામાં આવશે.