Amit Shah in Ahmedabad: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદીઓ માટે એક અત્યંત ગૌરવપૂર્ણ અને મોટી જાહેરાત કરી છે. ગોતામાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે સ્પષ્ટ સંકેત આપતા કહ્યું હતું કે, "તમે તૈયારી રાખજો, 2036 ઓલિમ્પિક્સ અમદાવાદમાં જ રમાશે." આ સાથે જ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં AMC ના કુલ ₹1507 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. વિકાસની વાત સાથે શાહે રાજકીય મંચ પરથી રાહુલ ગાંધી અને વિપક્ષી ગઠબંધન પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, હાર બાદ તેઓ હવે EVM અને મતદાર યાદીનો વાંક કાઢી રહ્યા છે.

Continues below advertisement

અમદાવાદ બનશે સ્પોર્ટ્સ હબ: 2036 ઓલિમ્પિક્સનું વિઝન

અમિત શાહે અમદાવાદને વિશ્વના રમતગમતના નકશા પર અગ્રેસર ગણાવતા એક મોટું વિઝન રજૂ કર્યું હતું. તેમણે નાગરિકોને ખાતરી આપી હતી કે કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સ જેવી મેગા ઈવેન્ટ માટે જે સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે, તે ક્યારેય નકામી જશે નહીં. અમદાવાદ ભવિષ્યમાં દરેક પ્રકારના ખેલ અને ટ્રેનિંગનું એક ઉત્કૃષ્ટ કેન્દ્ર (Centre of Excellence) બનવા જઈ રહ્યું છે. આ જ દિશામાં આગળ વધતા, તેમણે ગોતા ખાતે ₹43 કરોડના ખર્ચે આકાર પામનારા અત્યાધુનિક મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત કર્યું હતું.

Continues below advertisement

AMC ના ₹1507 કરોડના કામોનું લોકાર્પણ

આ મુલાકાત દરમિયાન અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હસ્તકના કુલ ₹1507 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ જનતાને આપી હતી. આ પ્રસંગે શહેરના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા સહિતના પદાધિકારીઓએ ગૃહમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

રાહુલ ગાંધી અને વિપક્ષ પર સીધું નિશાન

જનસભાને સંબોધતા અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા. તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે, "રાહુલ બાબાને હજુ સુધી ખબર નથી કે દેશની જનતાએ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને સ્વીકાર્યા નથી. જ્યારે પણ હાર મળે છે, ત્યારે તેઓ ક્યારેક EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) તો ક્યારેક મતદાર યાદીનો વાંક કાઢવા લાગે છે."

બંગાળ અને તમિલનાડુ માટે ચેતવણી

બિહારના ચૂંટણી પરિણામોનો ઉલ્લેખ કરતા શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે, "મમતા દીદી અને સ્ટાલિન તૈયારી રાખજો, બિહારમાં વિપક્ષોની હાલત જોઈ લીધી છે, હવે બંગાળ અને તમિલનાડુમાં પણ ભાજપ અને NDA નો વારો છે. ત્યાં પણ વિપક્ષોની 'ખો' નીકળી જવાની છે."