રાજકોટ: ગુજરાતના રાજકારણમાં લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર સમાન કાગવડ ખોડલધામ ખાતે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓના સન્માન સમારોહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ બાદ હવે ભાજપ પણ ખોડલધામના આંગણે પહોંચ્યું હતું.
ભાજપના દિગ્ગજોની હાજરીઆ સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, મંત્રી કૌશિક વેકરીયા, કમલેશ પટેલ અને જયેશ રાદડીયા સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌપ્રથમ આઈ ખોડલના દર્શન કર્યા
મુખ્યમંત્રીનું સાફા પહેરેલી 121 દીકરીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા આ તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
ખોડલધામ ટ્રસ્ટ દ્વારા હાલમાં કેન્સર હોસ્પિટલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. થોડા દિવસ પૂર્વે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ ખોડલધામ ખાતે દર્શન કર્યા હતા. મોટી સંખ્યામાં ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, સ્વયંસેવકો અને દર્શનાર્થીઓ હાજર રહ્યા હતા.
ટ્રસ્ટના આંગણે અનોખા દ્રશ્યોકાર્યક્રમ દરમિયાન ખોડલધામ ખાતે અનોખા દ્રશ્યો સર્જાયા હતા, જેમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા એકબીજાને ગળે મળ્યા હતા. લાંબા સમયથી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કથિત ગજગ્રાહની ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે આ પ્રસંગે પાટીદાર સમાજના બે અગ્રણીઓ એક થઈને સમાજમાં સકારાત્મક સંદેશ આપ્યો હતો. જયેશ રાદડિયાએ આ પ્રસંગે કહ્યું હતું કે, "ખોડલ ધામ એ અમારું આંગણું છે, અમે હાજર છીએ. જયેશ રાદડિયા હોય કે ન હોઈ, ખોડલ ધામ રહેવાનું છે."
કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીનું સંબોધન:
તેમણે રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વળતર પેટે ₹10,000 કરોડની જાહેરાત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું, જેમાંથી અત્યાર સુધીમાં ₹2200 કરોડ ચૂકવાઈ ગયા છે. તેમણે ખોડલધામ ટ્રસ્ટની અપીલ બાદ સમાજના અગ્રણીઓએ મોટા મનથી ખેડૂતોની મદદ કરી હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું સંબોધન:
જગદીશ વિશ્વકર્માએ ચેરમેન નરેશ પટેલની સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરી હતી. તેમણે કહ્યું કે જે રીતે સરદાર પટેલે 562 રજવાડાઓને એક કરવાનું કામ કર્યું હતું, તે જ રીતે લેઉવા પટેલ સમાજને એક કરવાનું કામ નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.