અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે બપોરે ગુજરાત આવી રહ્યા છે. તેઓ રવિવાર સુધી ગુજરાતમાં રોકાણ કરશે. આગામી ડિસેમ્બર 2017માં રાજ્યમાં યોજાનારી સામાન્ય ચૂંટણી પૂર્વે જુદા જુદા ઝોન દીઠ પક્ષે સમીક્ષા બેઠકો યોજીને ચૂંટણીલક્ષી તંત્ર ગોઠવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેમાં શુક્રવારથી રવિવાર દરમિયાન સૌરાષ્ટ્ર ઝોનના તમામ જિલ્લાઓ, શહેરોના આગેવાનો સાથે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતિષ તથા સૌદાન સિંગ ઉપસ્થિત રહેશે. ચાર દિવસમાં પાંચ મહત્વની બેઠકોમાં કોર ગ્રુપની રવિવારે મળનારી બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ હાજરી આપે તેમ સમજાય છે.
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણૌવ્યું હતું કે, આવતીકાલે ૧૮થી ૨૦ નવેમ્બર દરમિયાન યોજાનારી સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લા-મહાનગરની બેઠકો તથા ૨૧ નવેમ્બરે યોજનાર પ્રદેશ આગેવાન બેઠક અને વિધાનસભા પક્ષની બેઠકમાં રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીઓ સર્વ વી સતીષજી અને સૌદાન સિંગ વિશેષ ઉપસ્થિત રહેશે.
પંડયાએ બેઠકોની વિગતો આપતા જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાધાણીની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીઓ સર્વ વી સતીષજી અને સૌદાન સિંગની વિશેષ ઉપસ્થિતિમાં તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં તા. ૧૮થી ૨૦મી નવેમ્બર દરમિયાન ગાંધીનગર ખાતે સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લા-મહાનગરની પક્ષની સંકલન સમિતિની બેઠકો યોજાશે. જેમાં જિલ્લા-મહાનગર સંકલન સમિતિના અપેક્ષિત સભ્યો હાજર રહેશે.
પંડયાએ જણાવ્યું હતું કે, ૨૧મી નવેમ્બરના રોજ રાષ્ટ્રીય અને પ્રદેશ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બપોરે ૩.૦૦ કલાકે પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ મોરચાના પ્રમુખો, જિલ્લા-મહાનગરના પ્રભારીઓની બેઠક પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં યોજાશે. ત્યારબાદ સાંજે ૬.૩૦ કલાકે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં તેમજ રાષ્ટ્રીય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં વિધાનસભા પક્ષની બેઠક યોજાશે. જેમાં રાષ્ટ્રીય પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ મોરચાના પ્રમુખો, જિલ્લા-મહાનગરના પ્રભારીઓ, સાંસદો, ધારાસભ્યો તેમજ બોર્ડ-નિગમના ચેરમેન-વાઇસ ચેરમેન ઉપસ્થિત રહેશે.
આ અગાઉ ૨૦મી નવેમ્બર રવિવારના રોજ સાંજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ કોર ગ્રુપની બેઠક યોજાશે. પંડયાએ જણાવ્યું હુતં કે, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી સૌદાન સિંગ ૨૦મીથી ૨૨ નવેમ્બર એમના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ બેઠકો ઉપરાંત મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની સંગઠનની વિવિધ બેઠકોમાં માર્ગદર્શન આપશે.