Amreli News: અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા બાદ હવે શ્વાનનો આતંક સામે આવ્યો છે. દામનગર નજીક વાડીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમજીવીના ૩ વર્ષના બાળકને શ્વાનના ટોળાએ ફાડી ખાતાં અરેરાટી મચી ગઈ છે. ગઈકાલે બપોરે બાળક વાડીમાં રમતું હતું તે દરમિયાન ઘટના બની હતી. એક સાથે પાંચ છ સ્વાનના ટોળાએ બાળક પર હુમલો કરી ફાડી ખાધું હતું. દામનગરના ઢસા રોડ પર આવેલ વાડીએ ઘટના બની હતી. જના કારણે છોટાઉદેપુરના થાંભલા ગામના શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
થોડા દિવસ પહેલા અમરેલીના ખાંભાના ભાણીયા ગામે દીપડાએ ખેડૂત પર કર્યો હતો હુમલો
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાણીયા ગામે થોડા દિવસ પહેલા વહેલી સવારે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. કાનાભાઈ ભમર નામના ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. ખેડૂત વાડીમાં સુતા હતા અને દીપડો આવી જતા હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં ઘાયલ થયેલા ખેડૂતને સારવાર અર્થે અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભાણીયા ગામમાં 4 દિવસમાં દીપડાના હુમલાની બીજી ઘટના નોંધાઈ હતી. અમરેલી જિલ્લામાં એક મહિનામાંવન્યપ્રાણીના હુમલાની 7 મી ઘટના સામે આવી છે.
અમરેલીના ધારી તાલુકાના જુના ચરખા ગામના યુવક પર સિંહે હિમલો કર્યો હતો. 19 વર્ષીય સુરેશ નામના યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘેટા બકરાનો શિકાર કરવા આવેલા સિંહની આડે યુવક આવતાં તેના પર હુમલો કર્યો હતો. સિંહના હુમલાના કારણે ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં વન કર્મચારીઓ દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
થોડા દિવસ પહેલા રાજુલા તાલુકાના કાતર ગામમાં દીપડાએ બે વર્ષના માસૂમનો શિકાર કરતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. દીપડો ઘરમાં ઘૂસીને બે વર્ષના બાળકને ઝાડીઓમાં ઉઠાવી ગયો હતો. જોકે, પરિવાર જાગી જતાં હિંમત રાખી હાકલા પડકારા કરી પાછળ દોટ મૂકી હતી. જેને કારણે દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો. દીપડો ભાગી જતાં પરિવારે બાળકને તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, પણ બાળકનો જીવ બચી શક્યો નહોતો. તેના પાંચ દિવસ અગાઉ લીલિયા રેન્જમાં આવેલા ખારા ગામમાં સિંહણે પાંચ માસના માસૂમનો શિકાર કર્યો હતો. જ્યારે એ જ દિવસે દીપડાએ સાવરકુંડલાના કરજાળા ગામમાં ત્રણ વર્ષનો માસૂમનો જીવ લીધો હતો.