Amreli: અમરેલીમાં કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ કે આ વર્ષે આંબામાં મોર આવ્યો નથી અને  ફાલ પણ ખરવા લાગ્યો છે. ચાર વર્ષ પહેલાં તોઉતે વાવાઝોડાએ અમરેલી જિલ્લામાં બાગાયતી ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. પણ દર વખતની જેમ આ વખતે પણ ખેડૂતોને વાતાવરણનો માર ઝેલવો પડી રહ્યો છે. બેવડી ઋતુ અને ધુમ્મસના કારણે આંબામાં મોર આવ્યો નથી. ખેડૂતોના મતે આ વર્ષે શિયાળામાં ઠંડી ઓછી પડતા આ સ્થિતિ સર્જાઈ છે.

આ વર્ષે બેવડી ઋતુનો કારણે અમરેલી જિલ્લાના આંબાના બગીચા ધરાવતા ખેડૂતોની માઠી દશા બેઠી હોય અને આંબાના વૃક્ષોને ગ્રહણ લાગ્યું હોય તેવો ઘાટ ઘડાયો હોવાની પ્રતીતિ થઈ રહી છે. આંબાના બગીચાની ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આંબાના વૃક્ષોની ખેતી કરીને વાર્ષિક કમાણી કરતા ખેડૂતોની શું છે સ્થિતિ જોઈએ.


અમરેલી જિલ્લામાં સાવરકુંડલા, ધારી, ખાંભા ગીર, રાજુલા, જાફરાબાદ સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેસર કેરીના બગીચા ખેડૂતો ધરાવે છે. એક વર્ષની મેહનત બાદ કેરીના બગીચાની કમાણી ખેડૂતો મળતી હોય છે આ વર્ષે બેવડી ઋતુના કારણે આંબામાં ફાલ ખરવા લાગ્યો છે આ વર્ષે ત્રણ ફાલ આવ્યા છે. અમુક બગીચામાં પાછોતર ફાલ આવ્યો છે. શિયાળાની ઠંડી ઓછી પડવાને કારણે આંબામાં ફાલ ઓછો આવે છે. સવારમાં ઝાકળ અને દિવસ દરમિયાન ગરમી પડવાથી આંબાના વૃક્ષમાં જોવા મળી રહેલ મોર ખરવા લાગ્યો.

હાલના સમયમાં આંબામાં મોર જોવા મળી રહ્યો છે તેની જગ્યા એ નાની કેરી આવી જતી હોય છે. ખેડૂતો ખરતા ફાલને અટકાવ માટે દવાનો છંટકાવ કરી રહ્યા છે પરિણામે કોઈ સુધારો આવતો નથી. જિલ્લામાં મોટાભાગની આંબાવાડીમાં ડબલ ઋતુઓ નો માર પડી રહ્યો છે

અમરેલી જીલો આંબાવાડીની ખેતીમાં અગ્રેસર રહ્યો છે. જિલ્લામાં અંદાજિત આઠ હજાર હેક્ટરમાં આંબાની બાગાયતી ખેતી આવેલી છે. આ વર્ષે બેવડી ઋતુનો કારણે આંબામાં ફૂગ જન્ય રોગોની શક્યતાઓ વધી છે. ઝાકળ અને બેવડી ઋતુઓના કારણે ફાલ ખરવાની ફરિયાદ ખેડૂતોની વધી છે.